- નકલી વિઝાના આધારે વિદેશ જવું ભારે પડ્યું
- એરપોર્ટ જ પર જ દંપતીનો ભાંડો ફૂટ્યો
- પોલીસે દંપતી અને એજન્ટની કરી ધરપકડ
અમદાવાદ: વિદેશ જવાની ઘેલછા હજુ પણ લોકોમાં છે અને ગેરકાયદેસર રીતે વિદેશ જવા અનેક લોકો મોટી રકમ પણ ખર્ચી નાખે છે. ત્યારે અમદાવાદનું એક દંપતી આ રીતે નકલી વિઝાના આધારે અમેરિકા જતું હતું. જેમનો એરપોર્ટ પર જ ભાંડો ફૂટતા પોલીસે તેમની ધરપકડ કરી છે.
કેવી રીતે ઝડપાયું દંપતી
મૂળ મહેસાણાના રહેવાસી રાજેશ પટેલ અને તેમની પત્ની સોનલ પટેલ નકલી વિઝાના આધારે અમેરિકા જવાના હતા. ત્યારે એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીએ બંનેના વિઝા તપાસતા તે નકલી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને એરપોર્ટ પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
SOG ની તપાસમાં એજન્ટનું પણ નામ આવ્યું સામે
એરપોર્ટ પોલીસે દંપતીની ધરપકડ કરીને વધુ તપાસ માટે દંપતીને SOG ને સોંપ્યું હતું. ત્યારે આ દંપતીએ વિશ્વજીત નામના એજન્ટ દ્વારા નકલી વિઝા બનાવ્યા હતા અને તે માટે વિશ્વજીતને 10 લાખ આપવાનું નક્કી કર્યું હતું. જોકે, હાલ દંપતીની ટિકિટના પૈસા પણ એજન્ટે જ આપ્યા હતા. SOG એ વિશ્વજીતની પણ અટકાયત કરી છે અને તેની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવશે. જેમાં જાણવા મળશે કે, તેને અન્ય લોકોના પણ આ રીતે વિઝા અપાવ્યા છે કે કેમ?