અમદાવાદ : 146મી જગન્નાથજીની રથયાત્રા પહેલા અમદાવાદ શહેર પોલીસ તેમજ અલગ અલગ એજન્સીઓ દ્વારા લિસ્ટેડ ગુનેગારોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં અમદાવાદ વિસ્તારમાં મોટી લૂંટને અંજામ આપવામાં આવે તે પહેલા જ આંગડિયા પેઢીના ત્રણ લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપીને હથિયાર તેમજ કારતુસ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી એક પિસ્તોલ તેમજ 9 કારતુસ સહિતનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના PI એ.ડી પરમારની ટીમ રથયાત્રા અનુસંધાને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટેની કામગીરીમાં તપાસમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને બાતમી મળી હતી કે, શૈલેષ ઉર્ફે ટોટીઓ ડાભી નામનો 38 વર્ષીય ગુનેગારો અસારવામાં હાજર છે, જેથી તેને અસારવામાં પ્રભુનગર સોસાયટીના દરવાજા પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપીની પૂછપરછ : આરોપીના કબજામાંથી ક્રાઈમ બ્રાન્ચે 1 પિસ્તોલ તેમજ 9 કારતુસ સહિત 25 હજાર 900નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની સામે ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી હથિયાર તેમજ કારતુસ તેણે કેવા કારણોસર મંગાવ્યા હતા અને કોઈ આંગડિયા પેઢીના લૂંટના ગુનાને અંજામ આપવાના હતો કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી આઠમી જૂન 2023 સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
આરોપી પોતાના સાગરીતો સાથે મળીને અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીમાં લૂંટના ઇરાદાને અંજામ આપવા માટે આવ્યો હતો. જોકે તે પહેલા જ તેને પકડી પાડવામાં આવ્યો છે. હાલ તેના એક દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેના સાગરીતોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. - એ.ડી પરમાર (PI, ક્રાઈમ બ્રાન્ચ)
મહા લૂંટેરો : આ ગુનામાં ઝડપાયેલો આરોપી અગાઉ વર્ષ 2014માં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 75 લાખ રૂપિયાની આંગડિયા લૂંટમાં ઝડપાયો હતો. જે ગુનામાં આરોપીઓએ ફરિયાદીને પિસ્તોલથી ગોળી મારી ફરિયાદી પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. તેમજ વર્ષ 2013માં કચ્છ ભુજ સીટી ખાતે આંગડિયા પેઢીની લૂંટના એક ગુનામાં પકડાયો હતો. જે ગુનામાં આરોપીઓએ ભુજ બસ સ્ટેન્ડ ખાતેથી ફરિયાદી પાસેથી રૂપિયા 25 લાખ રોકડ રકમ ભરેલા પહેલાની લૂંટ કરી હતી. તેમજ વર્ષ 2014માં કચ્છમાં ભુજ સીટી ખાતે આંગડિયા પેઢીની લૂંટના એક ગુનામાં પકડાયો હતો. જે ગુનામાં આરોપીઓએ ફરિયાદીને ભુજ ખાતેથી અપહરણ કરી શંખેશ્વર પાસે છરીઓના ઘા મારી ફરિયાદીને ખેતરમાં નાખી દઈ રોકડ રકમ તેમજ સોનાના દાગીના જેની કિંમત 85 લાખ થાય છે. તેની લૂંટ ચલાવી હતી.