અમદાવાદ : શહેરમાં વધુ એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સામાન્ય બોલાચાલીએ હત્યા જેવી ઘટનાનુ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
શું હતી ઘટના ? : અમદાવાદના સોલા વિસ્તારમાં આવતા એસ.પી રિંગરોડ પર બાંધકામની સાઈટ પર સમગ્ર ઘટના બની હતી. મૂળ ઝારખંડના અને હાલ એસ.પી રીંગરોડ પર આવેલી સાઈટ પર કામ કરતા ડેવીડ કંડોન્લા નામનાં વ્યક્તિએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી છેલ્લાં દોઢ મહિનાથી ડ્રીમ વિવાનની નવી બનતી કંસ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કરે છે. તેની સાથે ઝારખંડનો 19 વર્ષીય અનુપ ઉર્ફે લાલી જોગી અને 30 વર્ષીય નિર્મલ હેરેંજ કંસ્ટ્રકશનની સાઈટ પર રહે છે.
નજીવી બાબતે થયો ઝઘડો : 4 જૂન રવિવારના રોજ સાંજના સમયે અનુપ ઉર્ફે લાલી જોગી તેમજ નિર્મલ હેરેંજ ઘરવખરીનો સામાન લાવ્યા હતા અને નિર્મલનો સાળો સોહાર મહલી તેમજ સોહારની પત્નિ ફરિયાદીની ઓરડી પર આવ્યા હતા. જેઓને નિર્મલ હેરેંજે ઘરવખરીનો સામાન આપવાની વાત કરતા અનુપે સામાન આપવાની ના પાડી હતી. જેના કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જે પછી નિર્મલ ઓરડીની બહાર જતો રહ્યો હતો અને ફરિયાદી તેમજ અનુપ જમીને રાત્રે 10 વાગ્યાની આસપાસ ઓરડીમાં સુઈ ગયા હતા.
ઘટનાસ્થળે જ યુવકે દમ તોડ્યો : થોડીવાર પછી કઈંક અવાજ આવતા ડેવીડ જાગી જતા તેણે જોયું કે નિર્મલ હેરેંજ પોતાની હાથમાં લોખંડના સળીયા જેવી વસ્તુથી અનુપ ઉર્ફે લાલીને માથામાં ફટકો મારી ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ નિર્મલ ત્યાંથી ભાગી ગયો હતો. અનુપને માથામાંથી અને કાનમાંથી લોહી નિકળતુ હોય ડેવીડે ઠેકેદારને બોલાવ્યો હતો. ઠેકેદારે 108 એમ્બયુલન્સન બોલાવી હતી. 108ના તબીબે અનુપ ઉર્ફ લાલીને મૃત જાહેર કર્યો હતો.
આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા ટીમો કામે લગાડવામાં આવી છે. - એ.આર ધવન (PI, બોડકદેવ પોલીસ સ્ટેશન)
પોલીસે આરોપીની શોધખોળ શરુ કરી : આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા બોડકદેવ પોલીસને કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાની વિગતો મેળવી નિર્મલ હેરેંજ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.