અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વાઇસ ચાન્સેલરને હાલમાં ચાલી રહેલી ઓનલાઇન રજીસ્ટ્રેશન સિસ્ટમમાં સુધારા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ફક્ત એક જ રાઉન્ડ ઓનલાઇન અને ત્યારબાદ બીજા અને ત્રીજા રાઉન્ડ માટે વિદ્યાર્થીઓએ જાતે કોલેજમાં જઈને ફોર્મ ભરવાનું હોય છે. તેમજ સખત ગરમીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થતા હોય છે. જેના કારણે ત્રણેય રાઉન્ડમાં ઓનલાઇન સિસ્ટમ શરૂ કરવામાં આવે તેવી ABVP દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સાથે રીશફલીંગ માટે પણ બંન્ને રાઉન્ડ થાય તેવી માંગ કરવામાં આવી હતી.
સુરત શહેરમાં બનેલી ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા આપવામાં આવેલી ૧૮ કોલેજમાંથી ત્રણ કોલેજ કોમ્પલેક્સમાં ચાલે છે. જેની સુરક્ષા અંગેની ખાત્રી માટે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેથી કરીને આવનારા સમયમાં સુરતમાં બને તેવી ઘટના બની શકે નહીં.
આ વિવિધ ત્રણ મુદ્દાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને રજુઆત કરવામાં આવી હતી. તેમજ જલદીથી આ પ્રશ્નોનો નિકાલ થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી.