શાહીબાગમાં આવેલા નેશનલ પાર્સલ હબમાં પાર્સલમાં ધકાડાભેર અવાજ થઇને ધુમાડી નીકળતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. F.S.L સહીતની એજન્સીઓની મદદ લઇને તપાસ શરૂ કરી હતી.
જો કે F.S.Lના અધિકારીઓનું માનવું હતું કે, આ પાર્સલમાં કોઇ એક્સપ્લોઝીવ પદાર્થ હોઇ શકે છે, જેથી આ પ્રકારની ઘટના બની છે. જેના આધારે પોલીસે પાર્સલ મોકલનારની વિગતો મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી.
જો કે આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પાર્સલ મોકલનાર અલ્પેશ પરમારએ એક યુ ટ્યુબ પર ચેનલ પર જાહેરાત કરીને ટોય્સ ગન અને રિવોલ્વરની ગોળી જેવા ટોટા વહેચી રહ્યો છે. જો કે પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરતાં અંજારના મિલાપ બારૈયાનું નામ બહાર આવ્યું હતું. જે આ સમગ્ર મટીરીયલ પુરુ પાડતો હતો. આ પ્રકારની ગન અને ટોટા વેંચવા ગેરકાયદેસર હોવાથી પોલીસએ બંન્નેની સામે ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, મિલાપ બારૈયા આ વસ્તુઓ અંબાજીના ભોલાસિંહ સરાદાર પાસેથી મેળવતો હતો. અલ્પેશ પરમાર તલવાર લેવા માટે અંજાર ગયો હતો તે સમયે તેનો સંપર્ક મિલાપ પાસે થયો હતો, અને ત્યારથી બંન્ને સંપર્કમાં હતાં. આ પ્રકારની ગનનું વધુ વેચાણ થાય તે માટે અલ્પેશ યુ ટ્યુબ પર માર્કેટિંગ કરતો તેમજ ગનનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ તેના ડેમો સાથે તે વીડિયો પોસ્ટ કરતો હતો.
જ્યારે કોઇપણ વ્યક્તિ તે ખરીદવા માંગે તો તે યુ ટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ મારફતે ઓર્ડર મેળવતો હતો અને આ જ પ્રકારે ઝાંસીના સુમિત નામના વ્યક્તિએ અલ્પેશને બે ગન અને કેટલાક ટોટાનો ઓર્ડર આપ્યો હતો.જો કે બે પાર્સલમાંથી એક પાર્સલ તેને મળી ગયુ હતું. જ્યારે બીજુ પાર્સલ પરત આવ્યું હતું. જેમાં આ ધડાકા જોવા મળ્યા હતા.
હાલમાં પોલીસે આ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને અંબાજીના ભોલાસિંહ સરદારને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે. જો કે ભોલાસિંહ સરદાર આ મટીરીયલ્સ બહારથી લાવતો હતો કે જાતે જ બનાવતો હતો તે એક તપાસનો વિષય છે. બીજી તરફ ઝાંસીના સુમિતએ આ ગન શા માટે મંગાવી હતી તે અંગે પણ પોલીસએ તપાસ શરૂ કરી છે.