ઢાકાઃ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને બાંગ્લાદેશના સ્પિન બોલર કોચ ડેનિયલ વિટોરીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB)ને પોતાના પગારનો એક ભાગ બોર્ડના ઓછા પગાર વાળા કર્મચારીઓને દાન કરવા અંગે કહ્યું છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના CEO નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું કે, વિટોરીએ પોતાના નિર્ણયની સત્તાવાર માહિતી આપી છે.
ચૌધરીએ કહ્યું કે, વિટોરી પોતાના પગારનો એક નિશ્ચિત ભાગ BCBના ઓછા પગાર વાળા કર્મચારીને દાન કરવા માગે છે. તેમણે આ અંગે ક્રિકેટ સંચાલન સમિતિને સત્તાવાર માહિતી આપી છે.
આ 41 વર્ષીય પૂર્વ સ્પિનરે પોતાના પગારનો કેટલો ભાગ દાન કરવાનો નિર્ણય કર્યો છે, આ અંગે અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો નથી.
મીડિયા અહેવાલ મુજબ, તે બાંગ્લાદેશ કોચિંગ સ્ટાફમાં સૌથી વધુ પગાર મેળવનારા સભ્ય છે. તેમને 100 દિવસના કરાર માટે 2,50,000 ડૉલર ચૂકવવામાં આવે છે. તેમનો કરાર આ વર્ષે યોજાનારા T-20 વર્લ્ડ કપ સુધી છે.
ઉલ્લેખનીય છે કે, આ સમયે સમગ્ર દુનિયા કોરોનાની મહામારીથી અસરગ્રસ્ત છે. આ વાઇરસે બાંગ્લાદેશને પણ પોતાની ઝપેટમાં લીધું છે. અત્યાર સુધી બાંગ્લાદેશમાં 44,608 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે, જ્યારે 610 લોકોના મોત થયાં છે. અહેવાલ મુજબ કુલ 9,375 લોકો સ્વસ્થ થઇને ડિસ્ચાર્જ થયા છે.