પટણા: દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ હજી ઉકેલાયો નથી, પરંતુ તેના પર રાજકારણ ગરમાયું છે, ત્યારે હાલમાં સુશાંતના પિતરાઇ ભાઇ અને ભાજપના ધારાસભ્ય નીરજસિંહ બબલુએ દાવો કર્યો છે કે, સાક્ષીઓને ધમકી આપવામાં આવી રહી છે અને મુંબઇ પોલીસ તેમને કોઈ સુરક્ષા આપી રહી નથી.
ભાજપના ધારાસભ્ય અને સુશાંતસિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ નીરજ કુમાર બબલુએ કહ્યું કે, જે રીતે વાતો બહાર આવી રહી છે. તેને લઇને સાક્ષીઓના જીવ જોખમમાં છે અને આવી સ્થિતિમાં અમારી માંગ છે કે, સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપવામાં આવે.
નીરજ બબલુએ ચિરાગ પાસવાન સાથે કરી મુલાકાત
સોમવારના રોજ ભાજપના ધારાસભ્ય નીરજકુમાર બબલુ અને તેમની પત્ની LJP MLC નૂતનસિંહે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને મળ્યા હતા. સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની CBI તપાસની માંગ કરવા બદલ તેમણે ચિરાગ પાસવાનનો આભાર માન્યો હતો. આ અગાઉ સંજય રાઉતને સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહના બીજા લગ્ન અંગે ટિપ્પણી કરી હતી. જેને લઇને સુશાંતના પિતરાઇ ભાઇ નીરજ કુમાર બબલુએ સંજય રાઉતને 48 કલાકની અંદર માફી માંગવા માટે કાનૂની નોટિસ મોકલી છે. આમ નહીં કરવા પર તેની સામે માનહાનીનો કેસ નોંધાવવાનું કહેવામાં આવ્યું છે.
સુશાંતના પિતાએ SCમાં ઉઠાવ્યા અનેક સવાલ
સુશાંતસિંહ રાજપૂત મામલામાં અભિનેતાના પિતા કે.કે. સિંહ વતી ગુરુવારના રોજ સુપ્રીમ કોર્ટમાં લેખિત જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતાએ પોતાના લેખિત જવાબમાં રિયા ચક્રવર્તીના વિરોધ અને મહારાષ્ટ્ર સરકારની FIRને પાયાવિહોણા ગણાવી હતી. તેમણે જવાબમાં કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારે હજી સુધી આ મામલામાં કોઈ FIR નોંધી નથી. આ મામલામાં બિહાર પોલીસના અધિકાર ક્ષેત્રની તપાસ ચાલી રહી છે અને આ મામલામાં FIR નોંધાવનાર બિહાર પોલીસ પ્રથમ છે.
તેમણે કહ્યું છે કે, પટના પોલીસ પણ તપાસમાં અધિકાર ક્ષેત્ર ધરાવે છે અને તપાસ પૂર્ણ થયા પછી જ અધિકાર ક્ષેત્રને લઇ પ્રશ્ન ઉભા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે બિહાર સરકાર અને રિયા ચક્રવર્તી દ્વારા પણ લેખિત જવાબો પણ દાખલ કરવામાં આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઇ એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. આ મૃત્યુ વિશે ચર્ચાઓ અને રાજકારણ ગરમાયુ છે, ઘણા લોકો હત્યા ગણાવતા CBI તપાસની માંગ કરી રહ્યાં હતાં. સુશાંતના મૃત્યુ બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મ વલણ પર પણ ચર્ચાએ વેગ પગડ્યો છે.