મુંબઈઃ બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કરવા માટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ અનેક લોકોની પૂછપરછ હાથ ધરી છે. તપાસ મામલે NCBએ ઉડતા પંજાબ ફિલ્મના પ્રોડ્યુસર મધુ મંટેનાને પૂછપરછ માટે સમન્સ પાઠવતા મંટેનાએ બુધવારે NCB સમક્ષ હાજર થવું પડ્યું હતું.
સુશાંતસિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીની ટેલેન્ટ મેનેજર જયા સાહા સાથે ડ્રગ ચેટમાં નામ સામે આવવાથી NCBએ મધુ મંટેનાને સમન્સ મોકલ્યું હતું. મંગળવારે જયા સાહાની સાથે સાથે એક ટેલેન્ટ કંપની ક્વાનના સીઈઓ ધ્રુવ ચિતગોપેકરની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ પણ ક્વાન ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે એટલે NCBએ તેને પણ બોલાવી હતી પણ તે આવી ન હતી. આ અઠવાડિયામાં ફિલ્મ ઉદ્યોગના અનેક કલાકારો NCBની ઓફિસના ચક્કર મારતા જોવા મળશે. NCB ચર્ચિત કલાકારોને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે, જેમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. સુશાંતસિહની પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીને પણ NCBએ પૂછપરછ માટે બોલાવી છે.
NCBએ ડ્રગ્સ મામલે પાંચ લોકોની અટકાયત કરી હતી, તેમાંથી એકની લિન્ક સુશાંતસિંહની મોતના કેસમાં જોડાયેલી છે તેવું NCBના અધિકારીઓ કહી રહ્યા છે. આ તમામ લોકો ડ્રગ્સ રેકેટમાં જોડાયેલા છે તેની જાણકારી સુશાંતસિંહ રાજપૂતની મોત મામલે તપાસ દરમિયાન મળી હતી. ઈડીની તપાસ દરમિયાન સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેની ટેલેન્ટ મેનેજર જયા સાહાની વોટ્સ એપ ચેટ મળી આવી હતી. આ ચેટથી એક પછી એક બોલીવુડની અનેક કડીઓ જોડાઈ રહી છે. રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના પૂર્વ સ્ટાફ દીપેશ સાવંત અને સૈમુઅલ મિરાંડા સહિત અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરાઈ ચૂકી છે. આ આરોપીઓમાં બોલીવુડમાં ડ્રગ્સનું ખરીદ વેચાણ કરનારા લોકોનો પણ સમાવેશ છે. આ તપાસ દરમિયાન બોલીવુડના જે ચર્ચિત નામો ડ્રગ્સ સાથે જોડાયેલા છે તેમના નામ સામે આવી રહ્યા છે. NCBએ આ તમામની પૂછપરછ કરીને બોલીવુડમાં ચાલી રહેલા ડ્રગ્સ રેકેટ અને ડ્રગ્સ કનેક્શનના પાયામાં જવા માગે છે.
આ અગાઉ ડ્રગ પેડલર અબ્દુલ બાશિત પરિહર, ઝૈદ વિલાત્રા, સુશાંતસિંહના પર્સનલ સ્ટાફ, દિપેશ ઉત્તમ સાવંત અને રિયાનો સાથીદાર સેમ્યુઅલ માર્શલ મિરાન્ડાએ જામીન માટે કરેલી અરજીને સ્પેશિયલ કોર્ટે નકારી દીધી હતી. જ્યારે દિપેશ સાવંત, સેમ્યુઅલ માર્શલ મિરાન્ડા, અબ્દુલ બાશિત પરિહરે બોમ્બે હાઈકોર્ટમાં પણ જામીન માટે અરજી કરી હતી. જ્યારે હાઈકોર્ટે ગયા અઠવાડિયે તેના પર સુનાવણી કર્યા બાદ આ જામીન અરજી પર સુનાવણી 29મી સપ્ટેમ્બરે થશે તેવો આદેશ આપ્યો હતો.