- મિડિયા પર પ્રતિબંધ મૂકવાની ભારતીય ચૂંટણી પંચની અરજી ફગાવી કોર્ટે ફગાવી
- દરેક સરકારે સીઇસી અને ચૂંટણી આયુક્તોની વરણી પોતાની ઈચ્છા મુજબ કરી
- ભારતીય ચૂંટણી પંચ સાથે આ વાર્તાલાપનો એક ભાગ ઔપચારિક હોય છે
ન્યૂઝ ડેસ્ક: ભારતીય ચૂંટણી પંચ પાસે ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોએ ગયા સપ્તાહે કરેલી કઠોર ટીપ્પણીથી દુઃખી થવા માટે યોગ્ય કારણો હોઈ શકે છે. પરંતુ, ન્યાયાધીશો દ્વારા મૌખિક ટીપ્પણીઓને નિયંત્રિત કરવા અને ન્યાયાલયોમાં જે કંઈ વાતચીત થાય તેનું મિડિયા દ્વારા રિપૉર્ટિંગ કરવાનું અટકાવવાનો તેના પ્રયાસે તેના કેસને ઘણો બધો નબળો પાડી દીધો છે.
સર્વોચ્ચ ન્યાયાલયે ઉચ્ચ ન્યાયાલયની ટીપ્પણીઓ ભૂંસી નાખવા અને મિડિયા પર પ્રતિબંધ મૂકવાની ભારતીય ચૂંટણી પંચની અરજી ફગાવી દીધી છે. પંચની યાચિકાનો નિકાલ કરતા, ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે જાહેર કર્યું કે, ન્યાયાલયમાં મુક્ત પ્રવેશએ બંધારણીય સ્વતંત્રતાની આધારશિલા છે. ઇન્ટરનેટે ન્યાયાલયના સમાચારોના લેખનમાં ક્રાંતિ લાવી દીધી છે અને જેમ બોલાય તેમ તેમ સમાચાર લેખનએ વાણી સ્વતંત્રતાનો ભાગ છે અને ખુલ્લા ન્યાયાલયનું વિસ્તરણ છે. આથી, ન્યાયાલયની પ્રક્રિયાના સમાચાર લેખન પર પ્રતિબંધ એ જૂનવાણી વિચારસરણી છે.
આ પણ વાંચો: ગાંધીનગર : કોરોનામાં મૃતક કે સારવાર હેઠળ રહેલા દંપતિના 18 વર્ષ સુધીના સંતાનોની કાળજી બાળ સંભાળ ગૃહ રાખશે
ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોએ પંચના અધિકારીઓને પૂછ્યું હતું કે, કૉવિડ નિયમોનું પાલન કર્યા વગર ચૂંટણી અભિયાન ચલાવવા રાજકીય પક્ષોને છૂટ તેમણે શા માટે આપી. આ બાબતે, પંચને બેજવાબદાર સંસ્થા તરીકે વર્ણવતા ન્યાયાધીશોએ કહ્યું કે, અધિકારીઓને સંભવત: હત્યા માટે જવાબદાર ગણવા જોઈએ. ચૂંટણી પંચને ન્યાયાધીશો દ્વારા વપરાયેલી રોષપૂર્ણભાષાથી હતાશા થઈ અને તે ઉચ્ચ ન્યાયાલયની ટીપ્પણીઓને હટાવી દેવાની માગણી લઈને સર્વોચ્ચ ન્યાયાલય ધસી ગયું.
ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ અને એમ. આર. શાહની બનેલી બેન્ચે ચૂંટણી પંચ માટે કરેલાં પ્રારંભિક અવલોકનો ઉલ્લેખ કરવા લાયક છે. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ જાહેર કરીને તેઓ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોનું મનોબળ તોડી પાડવા માગતા નથી. વકીલો અને બૅન્ચ વચ્ચેનો સંવાદ ન્યાયાલયમાં શું ઘટે છે તે અંગે જનતામાં વિશ્વાસની ભાવના સ્થાપિત કરે છે. વકીલો અને બૅન્ચ વચ્ચેનો આ સંવાદ ન્યાયપ્રણાલિને મજબૂત કરે છે.
તારણમાં, સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે ઉચ્ચ ન્યાયાલયોએ કૉવિડ-૧૯ રોગચાળાને સંભાળવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. જોકે ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયની ટીપ્પણીઓ કઠોર હતી અને તત્ક્ષણ ટીપ્પણી કરતી વખતે ન્યાયિક નિયંત્રણ રાખવું જોઈએ. મિડિયાના સંદર્ભમાં ન્યાયાલયે કહ્યું કે ન્યાયિક પ્રક્રિયાઓના સમાચાર લેખનમાં મિડિયાને નિયંત્રિત કરવાની ચૂંટણી પંચની પ્રાર્થનામાં કોઈ ભલીવાર નથી.
આ પણ વાંચો: મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માટે સારવારની અલગ વ્યવસ્થા, જાણો કેવી રીતે થાય છે આ રોગ?
ચૂંટણી પંચ વતી એવી દલીલ કરાઈ હતી કે પંચ ચૂંટણી દરમિયાન પ્રશાસન હાથમાં લેતું નથી. તે માત્ર માર્ગદર્શિકા જ બહાર પાડે છે અને તેનો અમલ કરવાનું રાજ્યોના હાથમાં હોય છે. જો તેનું ઉલ્લંઘન થયું હોય તો ભારતીય ચૂંટણી પંચને જવાબદાર ઠરાવી શકાય નહીં. ચૂંટણી પંચની આ દલીલ સંપૂર્ણ રીતે દોષયુક્ત છે. રાજ્યોમાં વરિષ્ઠ અધિકારીઓની નિયમિત રીતે બદલી કરતું પંચ (એટલે કે તેણે પશ્ચિમ બંગાળમાં ડીજીપીને એક આદેશ દ્વારા બહાર મોકલી દીધા હતા અને નવ માર્ચે અન્ય અધિકારીને તેમની જગ્યાએ મૂક્યા હતા) હવે દાવો કરે છે કે 'તે પ્રશાસન હાથમાં નથી લેતું!' વધુમાં, પંચ કે જેની પાસે ચૂંટણી યોજવાની તારીખ નક્કી કરવા કે જો સંજોગો એવા હોય તો તેને મોકૂફ રાખવાની સત્તા છે અને જ્યારથી ચૂંટણી જાહેર થાય છે ત્યારથી રાજ્ય સરકારોના કામને તે બારીકાઈથી જોયા રાખે છે તે હવે એવો દાવો કરી રહ્યું છે કે જો માર્ગદર્શિકાનું પાલન ન થાય તો તે કંઈ કરી શકે નહીં! આપણને આશ્ચર્ય થાય કે નાગરિકોને મુક્ત રીતે મતાધિકારનો ઉપયોગ કરવા અને મુક્ત અને ન્યાયી ચૂંટણીનો તેમનો અધિકાર આજે ચૂંટણી પંચનું સંચાલન કરતા અમલદારોના હાથમાં સુરક્ષિત છે કે કેમ. ચૂંટણી પંચની વર્તણૂંક, સર્વોચ્ચ ન્યાયાલયમાં ઉપરથી સત્ય લાગે તેવી દલીલો અને મિડિયા પર પ્રતિબંધ મૂકવાનો તેનો પ્રયાસ આપણા બંધારણના ઘડવૈયાઓને જ્યાં હશે ત્યાં હચમચાવી મૂકતો હશે. બંધારણ સભાની ચર્ચાને વાંચવાથી જાણ થશે કે આપણા સ્થાપક જનકોએ ભારતીય ચૂંટણી પંચને સ્વતંત્ર અને સ્વાયત્ત બનાવવા તેમજ દરેક ચૂંટણી આયુક્તને કલમ 324 (5)ના રૂપમાં એક મજબૂત અભેદ્ય કવચ- વજ્ર કવચ આપવા કેટલી ઝીણવટભરી રીતે કલમ 324ને ઘડી હશે? કલમ 324 (5) સર્વોચ્ચ ન્યાયલયના ન્યાયાધીશ જેવા પદની સુરક્ષા આપે છે જેથી તે અથવા તેણી નિર્ભય રીતે અને કર્મઠતાપૂર્વક નાગરિકોના મતાધિકારની રક્ષા કરી શકે અને દેશની લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત કરી શકે. આ સિવાય, ચૂંટણીની જવાબદારી, નિર્દેશ અને નિયંત્રણની સત્તા આપતી કલમ ૩૨૪ને સાદી રીતે વાંચતા ખ્યાલ આવે છે કે આ કલમ ચૂંટણી પંચની 'અમે લાચાર છીએ' વાળી દલીલને ફગાવી દે છે.
નરેન્દ્ર મોદી સરકાર પ્રત્યે વારંવાર જે આક્ષેપ થાય છે તે એ છે કે તેણે ચૂંટણી આયુક્તોની ઈચ્છા મુજબ વરણી કરી છે અને તે ભારતીય ચૂંટણી પંચના નિર્ણયને પ્રભાવિત કરવા માગે છે. આ લેખકને આ આક્ષેપની સત્યતા કે અન્યથા વિશે કોઈ જાણકારી નથી, પરંતુ મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકે એસ. એલ. શકધરને (જ્યારે મોરારજી દેસાઈ, ચરણસિંહ અને ઈન્દિરા ગાંધી વડા પ્રધાન પદે હતાં ત્યારની વાત છે); શ્રી આર. વી. એસ. પેરી શાસ્ત્રી (જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે તેમની નિમણૂક કરાઈ હતી) અને શ્રી ટી. એન. શેષન (ચંદ્રશેખર સરકારે રાજીવ ગાંધીના કહેવાથી તેમની નિમણૂક કરી હતી તેમ કહેવાય છે)ના દિવસોથી ભારતીય ચૂંટણી પંચને કામ કરતું જોયું છે, તેથી એમ કહી શકાય કે દરેક સરકારે સીઇસી અને ચૂંટણી આયુક્તોની વરણી પોતાની ઈચ્છા મુજબ કરી છે જ. એમ માનવું પણ તાર્કિક હશે કે દરેક મોટી ચૂંટણીમાં, દરેક સરકારની ચૂંટણી તારીખ, ચૂંટણીના તબક્કા, કેન્દ્રીય બળોની ફરજ પર ગોઠવણી વગેરેને સંબંધિત ઈચ્છાઓ હોય જ. ભારતીય ચૂંટણી પંચ સાથે આ વાર્તાલાપનો એક ભાગ ઔપચારિક હોય છે જ્યારે અન્ય ભાગ અનૌપચારિક હોય છે. પરંતુ છેવટે, જ્યારે ચૂંટણીની તારીખો વગેરે નક્કી કરવાનું આવે ત્યારે સરકાર તેનો મત રજૂ કરી શકે છે પરંતુ ચૂંટણી પંચ, જેણે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવાની હોય છે, તેણે પોતાની રીતે જ કામ કરવું જોઈએ. જો સંતુલન બગડી જાય તો લોકોને તેની ગંધ આવવા લાગે છે અને તે પ્રશ્નો સરકાર વિશે નહીં, ચૂંટણી પંચ વિશે પૂછે છે અને ચૂંટણી પંચ જવાબ દેવા બંધાયેલું જ છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં હૉસ્પિટલમાં દાખલ થતા 50 ટકા કોરોનાના દર્દીઓનું 48 ક્લાકમાં થાય છે મૃત્યુ
વર્તમાન સંદર્ભમાં ભારતીય ચૂંટણી પંચે લીધેલો સૌથી વિવાદાસ્પદ નિર્ણય પશ્ચિમ બંગાળ (294 વિધાનસભા બેઠકો)માં આઠ તબક્કાની ચૂંટણીને લગતો છે જેની સામે તમિલનાડુ (234 બેઠકો)માં કેરળ (140 બેઠકો) અને પુડુચેરીમાં 6 એપ્રિલે એક જ દિવસમાં મતદાન યોજાયું હતું. આ જ દિવસે આસામમાં 40 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. બીજા શબ્દોમાં, ભારતીય ચૂંટણી પંચે આ બધાં રાજ્યોમાં એક જ દિવસે 444બેઠકો પર ચૂંટણી યોજી હતી પરંતુ પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન યોજ્યું હતું. આનો બચાવ શું છે? ચૂંટણી પંચે જવાબ આપવો જ જોઈએ. દરમિયાનમાં, એપ્રિલના પહેલા સપ્તાહમાં કૉવિડ કેસોમાં સરેરાશ પ્રતિ દિન ઊછાળો એક લાખને વટી ગયો પરંતુ ભારતીય ચૂંટણી પંચે દરવાજે આવેલા રાક્ષસને જોવા ના પાડી દીધી. ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયે તેને થપ્પડ મારી તે પછી તેણે ભાંગેલા મને કેટલાંક પગલાં લીધાં હતાં. તેમ છતાં તે કહે છે કે ભારતીય ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા સામે આવી ટીપ્પણી ઉચ્ચ ન્યાયાલયે કરવી જોઈએ નહીં. ભારતીય ચૂંટણી પંચની દલીલમાં આ એક બીજી ત્રૂટિ છે. તે પોતાની જાતને ઉચ્ચ ન્યાયાલય સાથે સરખાવવા પ્રયાસ કરે છે, જે વાહિયાત છે. બંધારણ ઉચ્ચ ન્યાયાલયને ભારતીય ચૂંટણી પંચ સહિત તમામ સત્તાઓ સામે રિટ જાહેર કરવા અને યાચિકાઓ પર સુનાવણી ચલાવવા સત્તા આપે છે. ભારતીય ચૂંટણી પંચ આમ કરી શકે નહીં. તેણે ઉચ્ચ ન્યાયાલયોનાં અધિકાર ક્ષેત્રને માનપૂર્વક સ્વીકારવું જ જોઈએ.
જે લોકો દેશમાં સંસ્થાઓના કામકાજ પર બારીકાઈથી નજર રાખે છે તેમના મનમાં આ પ્રશ્નો ઊઠી રહ્યા છે. આથી જ એ વિચિત્ર છે કે અગ્રણી બંધારણીય સંસ્થા જેના પર આપણી લોકશાહીને જાળવી રાખવાનું કામ સોંપાયેલું છે તેણે તેના કામ પર ચર્ચાને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. સર્વોચ્ચ ન્યાયાલયે સુનાવણી દરમિયાન ટીપ્પણી કરી તેમ: લોકશાહી બચી રહે તે માટે સંસ્થાઓએ મજબૂત અને જોશપૂર્ણ રહેવું પડશે. એ વિશે બે મતો ન હોઈ શકે.
-એ. સૂર્યપ્રકાશ