બ્રાઉન્સવિલે: ટેક્સાસ સરહદી શહેર બ્રાઉન્સવિલેમાં રવિવારે એક SUV ભીડમાં ઘૂસી જતાં સાત લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 10 ઘાયલ થયા હતા. પીડિતો આશ્રયસ્થાનની બહાર સિટી બસ સ્ટોપ પર રાહ જોઈ રહ્યા હતા. બિશપ એનરિક સેન પેડ્રો ઓઝાનમ સેન્ટરના આશ્રય નિયામક વિક્ટર માલ્ડોનાડોએ જણાવ્યું હતું કે તેમણે અકસ્માત અંગે કોલ મળ્યા બાદ રવિવારે સવારે આશ્રયસ્થાનના સર્વેલન્સ વીડિયોની સમીક્ષા કરી હતી.
માલ્ડોનાડોએ કહ્યું, 'અમે વીડિયોમાં જોયું કે એક SUV, રેન્જ રોવર લગભગ 100 ફૂટ દૂર હતી, તેની લાઇટ ચાલુ હતી અને તે બસ સ્ટોપ પર ઊભેલા લોકોની વચ્ચે ઘૂસી ગઈ હતી. માલ્ડોનાડોએ કહ્યું કે ત્યાં કોઈ બેન્ચ નથી, ત્યાં લોકો રાહ જોઈને બેઠા હતા. તેમણે કહ્યું કે મોટાભાગના પીડિતો વેનેઝુએલાના પુરુષો હતા. તેણે કહ્યું કે ઘટના દરમિયાન SUV પલટી ગઈ અને લગભગ 200 ફૂટ સુધી ખેંચતી રહી. માલડોનાડોએ જણાવ્યું કે બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોથી લગભગ 30 ફૂટ દૂર ફૂટપાથ પર ચાલતા કેટલાક લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા.
બ્રાઉન્સવિલે પોલીસ ઇન્વેસ્ટિગેટર માર્ટિન સેન્ડોવલે જણાવ્યું હતું કે અકસ્માત સવારે 8:30 વાગ્યે થયો હતો અને પોલીસ જાણતી નથી કે ડ્રાઇવરે જાણી જોઈને લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માત પાછળ ત્રણ કારણોની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં એક ડ્રાઈવર નશામાં હોઈ શકે છે, બીજું ડ્રાઈવરે જાણી જોઈને ટક્કર મારી હશે અને ત્રીજું અકસ્માત હોઈ શકે છે. આ અકસ્માતમાં SUV ડ્રાઈવરને પણ ઈજા થઈ છે, તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડ્રાઈવરની ઓળખ થઈ નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ડ્રાઈવરની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે, જેના પરથી જાણી શકાય છે કે તે ઘટના સમયે નશામાં હતો કે નહીં.