વોશિંગ્ટનઃ ઈરાને ઈઝરાયલને ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો બંધ કરવાની ચેતવણી આપી છે. જો ઈઝરાયલ ચેતશે નહીં તો મધ્ય પૂર્વની સ્થિતિ બેકાબૂ બની શકે છે. રાજનૈતિક વિશ્લેષકો ઈરાનની ચેતવણીને ધમકી ગણી રહ્યા છે. જો ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં ભૂમિગત હુમલા કરશે તો ઈરાન હસ્તક્ષેપ કરી શકે છે.
યુએસએ ટુડેનો રિપોર્ટઃ આ રિપોર્ટ અનુસાર, ઈરાની વિદેશ મંત્રી હોસૈન-અમીર-અબ્દુલ્લાહિયને રવિવારે ઈઝરાયલ અને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તેઓ ગાઝામાં માનવતા વિરુદ્ધ થઈ રહેલા નરસંહારને સત્વરે બંધ નહીં કરાવે તો કંઈ પણ થઈ શકે છે અને સ્થિતિ બેકાબૂ બની શકે છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ લાંબુ ચાલી શકવાની સંભાવનાઓ વચ્ચે ઈઝરાયલી સેનાએ સીરિયા, વેસ્ટ બેન્ક અને ગાઝાના અનેક સ્થળો પર હુમલો કરીને પોતાની સેનાકીય કાર્યવાહી તેજ કરી દીધી છે.
ઈરાનની ચેતવણીઃ આ કાર્યવાહી પર ઈરાને ચેતાવણી આપી છે. સેનાકીય કાર્યવાહી દરમિયાન શરણાર્થીઓની મદદ માટે આવેલા ટ્રક્સે ઈજિપ્તમાંથી ગાઝમાં પ્રવેશ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સંયુક્ત રાષ્ટ્રએ પણ આ સહાયતા વિના વિધ્ને પહોંચે તે માટે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, પાછલા યુદ્ધોમાં દૈનિક જે જથ્થો પહોંચતો હતો તેની સરખામણીમાં આ મદદ માત્ર 4 ટકા જ છે. તેથી આ મદદ પહોંચે તે આવશ્યક છે.
ઈઝરાયલે ભારે કિંમત ચૂકવવી પડશેઃ લેબનાનમાં હિજબુલ્લાહના ઉપનેતા શેખ નઈમ કાસીમે ઈઝરાયલને ચેતવણી આપી છે. જો ઈઝરાયલ ગાઝામાં ભૂમિગત હુમલો કરશે તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયલી હુમલાને લીધે સીરિયાએ દામિશ્ક અને અલેપ્પોમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરવા પડ્યા છે. સીરિયાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ બંને એરપોર્ટની લેન્ડિંગ સ્ટ્રિપ્સ મિસાઈલ હુમલામાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જ્યારે દામિશ્ક એરપોર્ટ પર એકનું મૃત્યુ અને એક ઘાયલ થયાના સમાચાર છે.
200થી વધુ બંધકઃ રિપોર્ટ અનુસાર યુદ્ધ શરુ થયું ત્યારથી ઈઝરાયલે હિજબુલ્લાહ અને અન્ય આતંકવાદી સમૂહોને ઈરાનથી હથિયાર લાવતા રોકવા માટે સીરિયામાં અનેક હુમલા કર્યા છે. ઈઝરાયલે ગાઝામાં પોતાના હવાઈ હુમલા સતત ચાલુ રાખ્યા છે. ઈઝરાયલ પોતાના બંધકોને નિકાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,000થી વધુ ઈઝરાયલી નાગરિકો માર્યા ગયા અને 200થી વધુને બંધક બનાવીને ભાગી ગયા હતા.