વોશિંગ્ટનઃ યુક્રેન અને રશિયા (Russia Ukraine War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારતની સૌથી મોટી રિફાઈનરી ઈન્ડિયન ઓઈલ કોર્પે 24 ફેબ્રુઆરીએ રશિયા પાસેથી 30 લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે. અમેરિકાએ ક્રૂડ ઓઈલની આ ખરીદીની ઓફર પર પ્રતિક્રિયા આપી છે.
ભારતે રશિયા પાસેથી રાહત દરે તેલ ખરીદીને US પ્રતિબંધોનું નથી કર્યું ઉલ્લંઘન : વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે, ભારતે રશિયા પાસેથી રાહત દરે તેલ ખરીદીને US પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું નથી, પરંતુ આવા પગલાથી વિશ્વની સૌથી મોટી લોકશાહી "ઇતિહાસની ખોટી બાજુ" તરફ વઈ જશે.
આ પણ વાંચો: War 21st Day : ઝેલેન્સકી માંગી રહ્યા છે મદદ, બાયડન યુદ્ધની વચ્ચે લેશે યુરોપની મુલાકાત
US પ્રમુખ જો બાઈડન પ્રશાસને રશિયાથી ઊર્જાની આયાત પર લગાવ્યો પ્રતિબંધ : અમેરિકાના રાષ્ટપતિ જો બાઈડન (US President Joe Biden) પ્રશાસને રશિયાથી ઊર્જાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. સબસિડીવાળા ભાવે ક્રૂડ ઓઈલ સહિત અન્ય કોમોડિટીઝ ખરીદવાની ભારતની ઓફરને ધ્યાનમાં લેવાના અહેવાલો અંગે પૂછવામાં આવતા જેન સાકીએ જણાવ્યું હતું કે, જો બાઈડન વહીવટીતંત્રનો સંદેશ દેશોને અમારા નિયમોનું પાલન કરવાનો રહેશે.
ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરી નથી : જેન સાકીએ જણાવ્યું હતું કો, મને નથી લાગતું કે આનું ઉલ્લંઘન હશે, પરંતુ તમે ક્યાં ઊભા રહેવા માંગો છો તે વિશે પણ વિચારો. તેમણે આગળ કહ્યું કે, એવા સમયે જ્યારે ઈતિહાસના પુસ્તકો લખાઈ રહ્યા છે, ત્યારે રશિયન નેતૃત્વને સમર્થન એ વિનાશક અસરવાળા આક્રમણને સમર્થન છે. ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા કરી નથી અને સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી બચ્યું છે. અમેરિકાના અધિકારીઓએ તાજેતરના અઠવાડિયામાં જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે ભારત શક્ય તેટલું રશિયાથી પોતાને દૂર રાખે છે. શસ્ત્રો અને દારૂગોળોથી લઈને મિસાઈલ અને ફાઈટર પ્લેન સુધીની દરેક વસ્તુ માટે મોસ્કો પર તેની ભારે નિર્ભરતા ઓછી કરો.
રશિયાના નાયબ વડાપ્રધાને ભારતના પેટ્રોલિયમ પ્રધાનને ફોન પર શું જણાવ્યું ? : ગયા અઠવાડિયે રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે (Deputy PM of Russia Alexander Novak) ભારતના પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીને (Indian Petroleum Minister Hardeep Puri) ફોન પર જણાવ્યું હતું કે, દેશ રશિયન તેલ ક્ષેત્રમાં ભારતીય રોકાણોની સાથે ભારતમાં તેના તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ વધારવા આતુર છે. ગયા અઠવાડિયે મોસ્કોમાં જારી કરાયેલા રશિયન સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં રશિયાની તેલ અને પેટ્રોલિયમ પેદાશોની નિકાસ 1 બિલિયન US ડોલર સુધી પહોંચી ગઈ છે અને આ આંકડો વધારવાની સ્પષ્ટ તક છે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાંડર નોવાકે જણાવ્યું હતું કે, રશિયા શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જાના વિકાસમાં ખાસ કરીને કુડનકુલમમાં પરમાણુ ઉર્જા એકમોના નિર્માણમાં સહયોગ ચાલુ રાખવા માટે આતુર છે.
આ પણ વાંચો: અમેરિકા પર રશિયાનો મોટો આરોપ - યુક્રેનમાં જંગી ફંડિંગથી જૈવિક હથિયારો બનાવવામાં આવી રહ્યા છે
યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પ્રથમ વ્યવહાર : મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતની સૌથી મોટી રિફાઈનર ઈન્ડિયન ઓઈલ કોર્પે (Refiner Indian Oil Corp) રશિયા પાસેથી 30 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ આ પ્રકારનો પ્રથમ વ્યવહાર છે. ભારત વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો વપરાશકાર છે. ભારત હાલમાં તેના 80 ટકા તેલની આયાત કરે છે, પરંતુ તેમાંથી માત્ર 2 ટકાથી 3 ટકા જ રશિયા પાસેથી આવે છે.