મોસ્કો: રશિયાએ મંગળવારે કહ્યું કે, સૈન્ય અભ્યાસ (Russia military exercises 2022)માં ભાગ લઈ રહેલા કેટલાક સૈનિકો તેમના સૈન્ય મથકો પર પાછા ફરવાનું શરૂ કરશે. જો કે રશિયાએ પાછા ફરવાની વિગતો આપી નથી, પરંતુ તેનાથી એ આશા જાગી છે કે કદાચ રશિયાની યુક્રેન (Russia Ukraine Conflict) પર હુમલો કરવાની યોજના ન હોય. રશિયાના વિદેશ પ્રધાન (Foreign Minister of Russia) ના નિવેદન બાદ આ જાહેરાત કરવામાં આવી છે કે, તેમનો દેશ યુક્રેન કટોકટી તરફ દોરી જતા સુરક્ષા મુદ્દાઓ પર વાતચીત ચાલું રાખવા માટે તૈયાર છે. તણાવ ઉભો થયાના અઠવાડિયા બાદ રશિયાના વલણમાં આ ફેરફાર દેખાઈ રહ્યો હતો.
રશિયાની જાહેરાત પર યુક્રેનના નેતાઓને શંકા
જો કે, પશ્ચિમી દેશોના અધિકારીઓ હજુ પણ ચેતવણી આપી રહ્યા છે કે રશિયા કોઈપણ ક્ષણે યુક્રેન પર હુમલો (russia attack on ukraine) કરી શકે છે અને તે લશ્કરી સાધનો સરહદ પર ખસેડી રહ્યું છે. હજુ એ પણ સ્પષ્ટ નથી કે રશિયન સંરક્ષણ મંત્રાલયે (Russian Ministry of Defense) ક્યાંથી પાછા હટવાની વાત કરી છે, તેઓ ક્યાં તૈનાત છે અને કેટલા સૈનિકો છે. આ જાહેરાત બાદ વિશ્વ બજાર સહિત રશિયન ચલણ રૂબલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જો કે રશિયાની આ જાહેરાત પર યુક્રેનના નેતાઓ શંકા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: યુક્રેનમાં યુદ્ધનો ભય વધુ ઘેરો, ભારતીય લોકોને દેશ છોડવાની સલાહ
સાંભળ્યા પર નહીં, જોયેલા પર વિશ્વાસ કરીશું - યુક્રેનના વિદેશ પ્રધાન
યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ કહ્યું, "રશિયા સતત વિવિધ પ્રકારના નિવેદનો આપી રહ્યું છે. તેથી જ અમે એક નિયમ બનાવ્યો છે કે અમે સાંભળેલી વાતો પર વિશ્વાસ નહીં કરીએ. અમે જોયા પછી વિશ્વાસ કરીશું." રશિયાએ યુક્રેનની સરહદ પર 1,30,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે, જેના કારણે હુમલો કરવાની શક્યતા વધી છે. જો કે રશિયાએ યુક્રેન પર હુમલો કરવાના ઈરાદાને નકારી કાઢ્યો છે,. જો કે યુક્રેનના પૂર્વ, ઉત્તર અને દક્ષિણમાં મોટી સંખ્યામાં સૈનિકો ખડકીને તે નજીકમાં જ મોટો યુદ્ધાભ્યાસ કરતું રહ્યું છે.
વાટાઘાટો અને મંત્રણાઓ પૂરજોશમાં
આશાના નવા કિરણ સાથે રાજદ્વારી ગતિવિધિઓ વધી છે. જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે કિવમાં યુક્રેનિયન નેતાઓ સાથે વાટાઘાટો કર્યાના એક દિવસ પછી મોસ્કોમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવાનું આયોજન કર્યું હતું. દરમિયાન રશિયાના સૌથી સખત યુરોપિયન ટીકાકારોમાંના એક પોલેન્ડના વિદેશ પ્રધાન પણ મંગળવારે મોસ્કોમાં રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવને મળવા માટે હતા. યુક્રેનના વિદેશ પ્રધાનેએ તેમના ઈટાલિયન સમકક્ષની યજમાની કરી અને મંત્રણા કરી.
આ પણ વાંચો: QUAD Meeting on Ukraine Crisis: યુક્રેન સંકટ વચ્ચે ક્વાડ દેશોની બેઠક શરૂ
શું હજુ પણ સમજૂતી પર પહોંચવાની તક છે?
ઉલ્લેખનીય છે કે મોસ્કો એવી બાંયધરી માંગે છે કે નાટો યુક્રેન અને ભૂતપૂર્વ સોવિયત સંઘના અન્ય દેશોને તેના સભ્ય બનાવશે નહીં. તે ઇચ્છે છે કે નાટોના સભ્ય દેશો યુક્રેનમાં શસ્ત્રોની જમાવટ બંધ કરે અને પશ્ચિમ યુરોપમાંથી તેમના સૈનિકો પાછા ખેંચે. પુતિને કહ્યું કે, પશ્ચિમી દેશો રશિયાને અંતહીન મંત્રણામાં ફસાવી શકે છે. પુતિને પ્રશ્ન કર્યો કે શું હજુ પણ સમજૂતી પર પહોંચવાની તક છે? લવરોવે કહ્યું કે તેમનું મંત્રાલય યુએસ અને તેના સહયોગીઓને રશિયાની મુખ્ય વિનંતીઓને નજરઅંદાજ કરવાની મંજૂરી આપશે નહીં. બીજી તરફ, વ્હાઇટ હાઉસના મુખ્ય નાયબ પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે કહ્યું કે જો રશિયા સકારાત્મક વાટાઘાટો કરવાનું પસંદ કરશે તો કૂટનીતિનો માર્ગ ઉપલબ્ધ રહેશે.
અમેરિકા અને બ્રિટનની ચેતવણી
લવરોવની ટિપ્પણીને પશ્ચિમી દેશો માટે રાષ્ટ્રપતિ પુતિનના સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. આ સાથે યુદ્ધ ટાળવાના સંકેત પણ મળ્યા છે. જો કે અમેરિકા, બ્રિટન અને તેમના અન્ય સહયોગી દેશોએ પહેલેથી જ કહ્યું છે કે, બુધવાર સુધીમાં રશિયન સૈનિકો યુક્રેન પહોંચી શકે છે.