બેજિંગ: ચીનમાં જીવલેણ કોરોના વાયરસના કારણે બુધવારે 114 લોકોના મોત થયાં છે. આ સાથે હાલ મૃત્યુઆંક 2118એ પહોંચ્યો છે. આ અંગે કમિશને જણાવ્યું હતું કે, હવે 1,185 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. મંગળવારે 236 દર્દીઓની હાલત ગંભીર હતી, જ્યારે 1,824 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
એક સ્થાનિક સમાચાર એજન્સીના સમાચાર અનુસાર, કમિશને કહ્યું કે 11,977 દર્દીઓની હાલત ગંભીર છે અને 5,248 લોકો તેનાથી પીડિત હોવાની આશંકા છે. જ્યારે બુધવારે મૃત્યુઆંક 2000ને પાર તો આજે ગુરૂવાર 2118એ પહોંચ્યો છે. ચીનના વુહાનમાં વુચંગ હોસ્પિટલના ડિરેક્ટર ડો.લિયુ ઝીમિંગનું મંગળવારે કોરોના વાયરસને કારણે અવસાન થયું હતું.
આ દરમિયાન સોમવાર સુધી હોંગકોંગમાં 62 કેસની પુષ્ટિ થઈ હતી, જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તે જ સમયે, મકાઉમાં 10 અને તાઇવાનમાં એકનું મોત થયું છે. તાઇવાનમાં અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે. કોરોના વાયરસનો પ્રથમ કેસ વુહાનમાં ડિસેમ્બરમાં સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં 30 દેશોમાં કોરોનાના કેસો નોંધાયા છે.