ન્યૂઝ ડેસ્કઃ બાઇડન નાની ઉંમરે સેનેટર બન્યા ત્યારે 1979માં ચીન ગયેલા પ્રથમ સત્તાવાર ડેલિગેશનમાં હતા. અમેરિકા અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધો સત્તાવાર બન્યા પછીની આ મુલાકાત હતી. ઓબામા સાથે તેઓ વાઇસ પ્રેસિડન્ટ હતા ત્યારે તે વખતની પ્રચલિત માન્યતા સાથે તેઓ સહમત હતા કે ‘વિકસિત ચીન એ હકારાત્મક બાબત છે’. બાઇડને ડેમોક્રેટિક પાર્ટીના અધિવેશનમાં પોતાની ઉમેદવારીના સ્વીકૃત્તિ પ્રવચનમાં ક્યાંય ચીન, રશિયા કે વિદેશી બાબતોનો ઉલ્લેખ કર્યો નહોતો. પરંતુ અગાઉ પ્રાઇમરીમાં ડિબેટ દરમિયાન તેમણે ચીનના પ્રમુખ શી જિનપિંગને ‘ઠગ’ કહ્યા હતા.
શું ટ્રમ્પ અને બાઇડન વચ્ચે પ્રમુખ બનવાની આ સ્પર્ધામાં આ વખતે ચીનનો મુદ્દો સૌથી મુખ્ય ચૂંટણી મુદ્દો બની રહેશે? નવેમ્બરમાં ચૂંટણીના પરિણામો પછીય અમેરિકા અને ચીનના સંબંધો આટલા જ ઘર્ષણમય બનેલા રહેશે? બંને દેશોના સંબંધોની અસર ભવિષ્યમાં ભારત પર કેવી થશે? અમેરિકન ચૂંટણી વિશેની શ્રેણીમાં સ્મિતા શર્માએ આ હપ્તામાં આ મુદ્દાઓની ચર્ચા કરી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે શું કોરોના સંકટને સંભાળવામાં નિષ્ફળતા છુપાવવા ટ્રમ્પ ચીનને વિલન બનાવી રહ્યા છે?
બ્રૂકિંગ્ઝ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલૉ તન્વી મદન કહે છે, “અમેરિકાની ચૂંટણીમાં ચીનનો મુદ્દો નવો નથી. ખાસ કરીને આર્થિક બાબતોમાં તેના પર દોષારોપણ થાય તે નવી વાત નથી. વ્યૂહાત્મક બાબતોમાં પણ ઘણી વાર ચીનને નિશાન બનાવાય છે. પ્રમુખ ટ્રમ્પે ચીનને દુશ્મન ગણાવવાનું શરૂ કર્યું છે તેનું એક કારણ મને એ લાગે છે કે તેઓ કોરાનાનો સામનો સારી રીતે કરી શક્યા નથી. આ રીતે દોષનો ટોપલો ચીન પર ઢોળી દેવાનો પ્રયાસ છે.”
“એથી જ તેઓ તેને ચાઇનીઝ વાઇરસ કહે છે. એવું કહેવા માગે છે કે જુઓ આપણામાં વાઇરસ ઘૂસાડી દીધો. તેનાથી પોતાને રાજકીય ફાયદો થશે એમ તેઓ માનતા હોય તેવું લાગે છે. માત્ર કોવિડના મામલે નહિ, પણ વેપારમાં તેની સામે થયેલા નુકસાનના કારણે પણ ફાયદો થશે તેમ માને છે. પોતે ચીનની સામે પડ્યા છે એવું પોતાના ટેકેદાર વર્ગને ગમશે એવું ટ્રમ્પ માને છે,” એમ તન્વી મદને વધુમાં જણાવ્યું.
શું ટ્રમ્પ સામા પક્ષને ચીન સામે આક્રમક વલણ લેવાના ટ્રેપમાં લેવા માગે છે, જેથી તેમણે પણ ચૂંટણી પ્રચારમાં ચીન સામે આકરી વાણી ઉચ્ચારવી પડે? બીજું કે ફરીથી જીત્યા પછી ટ્રમ્પ ચીન સામે આટલું જ આકરું વલણ રાખશે?
“આકરા વલણની બાબતમાં કહી શકાય કે ટ્રમ્પ ફરીથી જીતીને આવશે તો તેમનું વલણ પણ થોડું હળવું થશે. ડેમોક્રેટ્સ માનવાધિકાર અને એવા મુદ્દાઓ પર વધારે બોલશે. આજે બંને વચ્ચે એટલી મોટી ખાઈ પડી ગઈ છે કે તેને પૂરવી મુશ્કેલ છે. આ ભૂભૌતિક રાજકારણ છે, અમેરિકાની મહાસત્તા તરીકેની તાકાતનો મામલો છે અને કોઈ અમેરિકન નેતા તેમાં સમાધાન ના કરવા માગે છે, કેમ કે તેઓ સમજી ગયા છે કે ચીન અમેરિકાના વર્ચસ સામે પડકાર ફેંકવાનું બંધ નથી કરવાનો,” એમ ભૂતપૂર્વ રાજદૂત વિષ્ણુ પ્રકાશ કહે છે.
“ડેમોક્રેટ્સ જુદી રીતે ચીનની વાત કરે છે. બાઇડને સ્વીકૃત્તિ પ્રવચનમાં ચીનનો ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ અન્યત્ર નિવેદનોમાં તેઓ પણ કહી રહ્યા છે કે ‘અમે ચીન સામે કડક થઈશું’. પરંતુ તેની રીત જુદી હશે, વ્યૂહાત્મક હશે અને સાથી દેશો સાથે મળીને, આર્થિક રીતે અમેરિકાને મજબૂત બનાવીને અને વેપારમાં પોતાની રીતના વાજબીપણાની રીતે કરશે. ચીનના મુદ્દે જ મતદારો નિર્ણય કરશે તેવું નક્કી નથી, પરંતુ વિદેશ નીતિને સમગ્ર રીતે જોવામાં આવે તેવું બને. જોકે આ ચૂંટણીમાં ખરેખર એ જ મુદ્દો છે કે ટ્રમ્પ તમને કેવા લાગે છે,” એમ તન્વી કહે છે. તેમણે ત્રણેય દેશોના સંબંધો વિશે પુસ્તક પણ લખ્યું છે - ‘Fateful Triangle: How China Shaped U.S.-India Relations During the Cold War’. AP તરફથી જુલાઈમાં થયેલા જનમત અનુસાર 61% અમેરિકનો કોરોના સામે ટ્રમ્પની કામગીરીથી નારાજ છે, પણ સામે વધુ નાગરિકો (64%) ચીન સામે પણ રોગચાળો સંભાળવાની બાબતમાં નારાજ છે. આ ઉપરાંત હાલમાં થયેલા Pew જનમત અનુસાર 73% જેટલા અમેરિકનો ચીનને નકારાત્મક રીતે જુએ છે.
શું અમેરિકામાં બંને પક્ષોમાં ચીન વિરુદ્ધ લાગણીમાં ફરક છે અને તેના કારણે જ આ રીતે ચર્ચા ચાલી રહી છે? અસ્પષ્ટ અને મનફાવે તેવા રાજકીય વિચારો ધરાવનારા ટ્રમ્પ ચીનની બાબતમાં સાતત્યપૂર્ણ અભિગમ ધરાવે છે ખરા?
“ટ્રમ્પ સરકારમાં આ એક ચીનની બાબતમાં જ સાતત્ય રહ્યું છે. 2018માં ચીન સામે હ્યુસ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં આકરી વાણી માઇક પેન્સે ઉચ્ચારી ત્યારે મને લાગતું નહોતું કે આવી નીતિ ચાલશે. અમેરિકાની સિસ્ટમનો લાભ લઈને તેને નુકસાન કરવું, તેની સામે જાસૂસી કરવી, લશ્કરી રીતે મજબૂત થવું અને અમેરિકા સામે નિશાન લગાવવું આવી બધી બાબતોમાં આટલી આકરી ભાષામાં ક્યારેય ટીકા થઈ નહોતી. અને આ કોવીડ પહેલાની વાત છે અને મને લાગે છે કે વિચારપૂર્વક ચીન સામે પ્રહારો થયા હતા,” એમ વિષ્ણુ પ્રકાશ કહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે “અભિગમમાં સાતત્ય રહ્યું છે. ટ્રમ્પે વચ્ચે ચીનના નેતાઓમાં સારા નરસાની વાત પણ કરી કે ‘શિ જિનપિંગ તો સારા છે, પણ બીજા નકામા છે’. પણ હવે ચોખ્ખી અને સીધી જ વાત થાય છે. તેઓ સમગ્ર રીતે ચીન પર પ્રહારો કરી રહ્યા છે. શિ જિનપિંગ વધારે પડતા ખેલ કર્યા છે અને ખુલ્લે આમ, લશ્કરી અને ટેક્નોલૉજીની રીતે અમેરિકાને પડકાર ફેંક્યો છે.”
ટ્રમ્પે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે “મેં મારું વચન પાળ્યું છે અને ચીન સામે સૌથી આકરા, મજબૂત અને હાનીકારક પગલાં લીધા છે.” અત્યારે ભારત અને ચીનના સંબંધો પણ બહુ વણસી ગયા છે ત્યારે અમેરિકા આ રીતે ચીન સામે આકરા મીજાજમાં છે તેનાથી ભારતને ફાયદો થશે ખરો તે બાબતની ચર્ચા પણ પેનલમાં કરવામાં આવી હતી. “કેટલીક બાબતમાં ટ્રમ્પ એંસીના દાયકાથી એકસમાન અભિગમ રાખતા આવ્યા છે. તેઓ સહયોગ, વેપાર, ઇમિગ્રેશન બાબતમાં મક્કમ અભિપ્રાયો ધરાવે છે. આ અભિપ્રાયો વાજબી ઠર્યા છે એમ તેવું માનતા હશે. ટ્રેડ વિશેના તેમના વિચારો દર્શાવે છે કે તેઓ વધુ સ્પર્ધાત્મક બનશે. પરંતુ ટ્રમ્પ હવે સત્તામાં રહેવાના જ છે તો ટ્રેડ કરી લઈએ તેવું ચીન કહે તેવું પણ બને,” એમ મદન કહે છે.
જુલાઈમાં વિદેશ પ્રધાન માઇકલ પોમ્પિઓએ એવું કહ્યું હતું કે સમાન વિચાર ધરાવનારા દેશોનું એક નવું જૂથ ઊભું કરવાની જરૂર છે – ચીનનો સામનો કરવા માટે લોકતાંત્રિક રાષ્ટ્રોનું એક જૂથ. તે દરખાસ્તને ભારત તરફથી બહુ ઉમળકાભર્યો પ્રતિસાદ નહોતો મળ્યો.
ઇન્ડો પેસિફિક નીતિ અને ચીન સામે સાથી દેશો સાથે વધારે સુરક્ષા કરારો કરવામાં આવશે કે પછી નવેમ્બરની ચૂંટણી બાદ અમેરિકા માત્ર વેપારની બાબત પર જ ધ્યાન કેન્દ્રિત કરશે?
“ટ્રમ્પ અથવા બાઇડન કોણ પ્રમુખ બને છે તેના પર બે જુદી જુદી સ્થિતિની કલ્પના કરી શકાય. બાઇડન સરકાર વેપાર માટે આગ્રહો રાખશે, પણ સાથી દેશો સાથે કામ કરતી રહેશે. એવું પણ બને કે બાઇડન સરકાર જણાવે કે રોગચાળો અને ક્લાઇમેટ ચેન્જ જેવી બાબતોમાં ચીન સાથે મળીને કામ કરવું પડે. તેથી આગળ શું થશે તે એ બાબત પર નિર્ભર છે કે કોઈ પ્રમુખ બને છે અને કોઈ જુદા જુદા વિભાગોમાં પ્રધાન બને છે,” એ બાબત પર તન્વી મદને ભાર મૂક્યો હતો.
- સ્મિતા શર્મા