વડોદરા: ચોમાસા પૂર્વે વડોદરા શહેર નજીક આવેલા પ્રતાપપુરા તળાવના વેલા દૂર કરી ઊંડું કરવાની પ્રક્રિયા કરવા માટે રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ, સાંસદ, મેયર સહિતના પદાધિકારીઓએ પ્રતાપપુરા તળાવની મુલાકાત લીધી હતી.
ચોમાસા દરમિયાન પ્રતાપપુરા તળાવનું પાણી આપવામાં જતુ હોય છે અને આ તળાવના ઝાડીઝાંખરા તેમજ લીલ આ સાથે તણાઈ આવતી હોવાથી આજવામાંથી મળતું પાણી લોકોને ગંદુ અને દુર્ગંધવાળુ મળતુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે. આજરોજ યોગેશ પટેલની અધ્યક્ષતામાં ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ તેમજ પાલિકાના કમિશ્નર અને અધિકારીઓએ પ્રતાપપુરા તળાવની મુલાકાત લીધી હતી.તેઓએ અહી તળાવનું નિરીક્ષણ કર્યું હતું.
હાલ તળાવના જળ સંગ્રહ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે. જેનાથી તળાવના પાણીની ક્ષમતા ઘટી રહી છે.ચોમાસા દરમિયાન અહીનું પાણી આજવામાં આવતું હોવાથી આજવાના પાણીની ગુણવત્તા પણ બગડે છે. જેથી યુદ્ધના ધોરણે જંગલી વેલા હટાવવા સાથે તળાવને ચોખ્ખું કરવાની કામગીરીની સૂચના પ્રધાને કમિશ્નર નલિન ઉપાધ્યાયને આપી હતી.તેઓ પણ આ કામગીરી શક્ય તેટલી ઝડપથી હાથ ધરવાનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેથી તળાવની જળસંગ્રહ ક્ષમતા વધી શકે અને પાણીની ગુણવત્તા સુધરે.