- મહેન્દ્ર પઢીયાર અને મહેશ પંચાલની પત્ની વચ્ચે હતા અનૈતિક સંબંધો
- મહેશ પંચાલે ઢોર માર મારતા મહેન્દ્ર પઢીયારનું થયું મોત
- મહેશ પંચાલ વિરૂદ્ધ નોંધાયો હત્યાનો ગુનો
વડોદરા: જવાહરનગર પોલીસને બાતમી મળી હતી કે, બાજવા કરચીયા રોડ પરના ગીરીરાજ ફ્લેટમાં એક અજાણ્યો આરોપી મળી આવ્યો છે. જેથી પોલીસની PCR વાન તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મહેન્દ્ર પઢીયારની અટકાયત કરી હતી. આ મામલે મહેશ જનકભાઇ પંચાલે અરજી કરી હતી. જેના અનુસંધાને પોલીસે CRPC-151 મૂજબ મહેન્દ્ર સામે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન સવારે 6-40 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનમાં રહેલા મહેન્દ્ર પઢીયારે ગભરામણ થતી હોવાની પોલીસને ફરિયાદ કરી હતી.
પરિવારના પોલીસ પર ગંભીર આક્ષેપો
પોલીસ સ્ટેશનમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મહેન્દ્ર પઢીયારને તાત્કાલીક સારવાર માટે બાજવા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગેની જાણ પોલીસે મૃતકના પરિવારને કરી હતી અને તેમણે પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા કે, મહેન્દ્રનું મોત પોલીસનાં માર મારવાથી થયું છે.
ગંભીર આક્ષેપો બાબતે CCTV કેમેરાની તપાસ
દરમિયાન સમગ્ર મામલાની તપાસ બી-ડીવીઝનના ACP બકુલ ચૌધરીએ સંભાળી લીધી હતી. પોલીસ સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને પગલે પોલીસ સ્ટેશનના CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાઇ આવી ન હતી. જોકે મૃતકના શરીર ઉપર માર માર્યાનાં નિશાન હતા. જેથી ACPએ ગીરીરાજ ફ્લેટ પર પહોંચી તપાસ હાથ ધરીને મોટો ખુલાસો કર્યો હતો કે, મહેન્દ્ર પઢીયાર અને મહેશ પંચાલની પત્ની વચ્ચે અનૈતિક સબંધો હતા. મહેશ અચાનક ઘરે આવી પહોંચતા મહેન્દ્ર અને પોતાની પત્નીને ઘરમાં એક સાથે જોઇ તે વિફર્યો હતો. જેથી મહેશે મહેન્દ્રને આડેધડ માર માર્યો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટના ઘટતા મહેન્દ્ર પઢીયાર ગંભીર રીતે ઘવાતા મૃત્યુ પામ્યો હતો. આ મામલે જવાહરનગર પોલીસે મહેશ પંચાલ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.