- વડોદરામાં ભાજપ મહિલા કોર્પોરેટરે બર્થડેની કરી ઉજવણી
- બર્થડે સેલીબ્રેશનમાં સોશિયલ ડિસ્ટન્સનું કર્યું ઉલ્લંઘન
- અગાઉ પણ ભાજપ શહેર મહામંત્રી સામે બર્થડે સેલીબ્રેશનમાં કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ પોલીસ કાર્યવાહી થઇ હતી
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર 18 ના ભારતીય જનતા પાર્ટી મહિલા કોર્પોરેટર ગાર્ગીબેન દવેએ તેમના જન્મદિવસે રાતે તેમના કાર્યકરો સાથે મળીને કેક કટીંગ કરી ઉજવણી કરી હતી. જેમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં. ભારતીય જનતા પાર્ટી મહિલા કાઉન્સિલર ગાર્ગી બેન દવે કોરોના ગાઈડલાઈનને નેવે મૂકી સેલિબ્રેશન કર્યું હતું. જેમકે કોરોના સંક્રમણનો ભય ના હોય તે પ્રકારે માસ્ક અને સામાજિક અંતરનું ઉલ્લંઘન કર્યું હતું.
વડોદરામાં ભાજપ મહિલા કોર્પોરેટરે બર્થડેની કરી ઉજવણી
ઉલ્લેખનીય છે કે એક સામાન્ય વ્યક્તિનું જ્યારે માસ્ક નાકની નીચે હોય તો પણ પોલીસ પ્રશાસન દ્વારા હજાર રૂપિયા દંડ વસુલવામાં આવે છે. પરંતુ કોઈ પણ અધિકારી કે નેતા કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરે તો સુદ્ધા કંઈ કરવામાં આવતુ નથી. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકીએ બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી હતી. જેમાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યા હતા. જે અંગે બાદમાં પોલીસ ફરિયાદ થઇ હતી અને બાદમાં તેમની બર્થ ડે કેક કાપવા સમયે હાજર રહેલા લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. સુનિલ સોલંકી પોતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જો કે પોલીસે તેમને ગણતરીના કલાકોમાં જામીન પણ આપ્યા હતા.
પોલીસ દ્વારા ભાજપમાં મહામંત્રી સામે કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘનને લઈ કડક પગલું લેવામાં આવ્યું હતુંં. ત્યારે હવે ભાજપ કોર્પોરેટરે પોતાના જન્મદિવસની ઉજવણી દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ કોર્પોરેટર સામે કંઈ પગલા લેવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.