- વડોદરાના કિસનવાડી વિસ્તારમાં લગ્નપ્રસંગમાં ગેસનો બાટલો ફાટ્યો
- ગેસનો બાટલો ફાટતા સમગ્ર વિસ્તાર ધણધણી ઊઠ્યો
- આગ લાગતા નાસભાગ મચી, વાસણોનું નુકસાન થયું
વડોદરાઃ શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા સુનિલ ઓડના દીકરાનો લગ્નપ્રસંગ હતો. આ દરમિયાન અચાનક ગેસનો બોટલ ફાટતા ભારે અફરા તફરી મચી હતી. દીવાલોમાં તિરાડો તો બારીનાં કાંચ પણ તૂટ્યા હતા. વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં લગ્નની રસોઈ બની રહી હતી તે વખતે કાંઈ ગેસનો બોટલ ફાટતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. કિશાન વાડી ખાતે વુડાના મકાન રહેતા રવિ ઓડના પરિવારમાં મંગળવારે જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં આમંત્રિત સગા સંબંધીઓ તેમ જ રસોઈયા હાજર હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબૂમાં લીધીઃ જાનહાની ટળી
આ દરમિયાન એકાએક ગેસનો બોટલ લીકેજ થતા આગ લાગી હતી. આગમાં તંબૂ લપેટાઈ ગયો હતો અને નાસભાગ મચી હતી. હજી લોકો કાંઈ સમજે અને આગ બૂઝાવવાનો પ્રયાસ થાય ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા ગભરાટ ફેલાયો હતો. પ્રચંડ વિસ્ફોટને કારણે વૂડાના મકાનનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. કેટલીક દીવાલોને તિરાડો પડી હતી તેમ જ બારીઓના કાચ પણ તૂટ્યા હતા. આ ઉપરાંત રસોઈના વાસણોને પણ નુકસાન થયું હતું તેમ જ રસોઈ પણ બગડી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી હતી.