- કોરોનાને લઈને સુરતના જાણીતા ડોક્ટરે વ્યક્ત કરી શક્યતા
- ઓક્ટોબર મહિનાથી આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર
- વેક્સિનેશન અને ગાઈડલાઈનના પાલનથી અટકાવી શકાશે
સુરત: હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તે પહેલા કોરોના વેક્સિન લેવામાં નહીં આવે તો તે લોકો માટે વધુ ઘાતક સાબિત થવાની શક્યતા તબીબો વ્યક્ત કરી રહ્યા છે.
વેક્સિનેશન ડ્રાઈવ ઝડપી કરાય તો લોકોને બચાવી શકાય
હાલમાં સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન દ્વારા વધુમાં વધુ લોકો વેક્સિન લે તે માટે અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે સુરતના જાણીતા તબીબ ડોક્ટર સમીર ગામી દ્વારા આવનારા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આ લહેર સૌથી વધુ ઘાતકી અથવા તો માઇલ્ડ રહેશે, તેમ જણાવ્યું છે. હાલમાં દેશમાં 16 કરોડ જેટલા લોકોએ વેક્સિન લીધી હોવાનું અને વેક્સિનેશન ડ્રાઈવ વધુ ઝડપી બનાવીને જો 40થી 50 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવે તો ત્રીજી લહેરને અટકાવી શકાય તેવી આશા રજૂ કરી હતી.
ઓક્ટોબરથી માર્ચ દરમિયાન કોરોનાની ત્રીજી લહેર આવી શકે
ડૉ. સમીર ગામીએ જણાવ્યું હતું કે, લોકોએ કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન્સ છે. તેનું કડક પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સની સાથે માસ્ક પહેરવું અનિવાર્ય છે. આવનારા 6 મહિનામાં સુધી આ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેથી ઓક્ટોબરથી માર્ચ સુધીમાં આવનારી કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષણ મેળવી શકાય.