સુરતઃ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટૉસિલીઝુમેબ નામના ઇન્જેક્શનની એમઆરપી રૂપિયા 40,545 હોવા છતા ઉંચા ભાવે વેચાણ કરી કાળાબજાર થતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
શું હતું સમગ્ર કૌભાંડ...?
- 19 જૂનના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક બોગસ ગ્રાહક ઊભો કરીને સાર્થક ફાર્માના વિપુલભાઇ કવાડ પાસે મોકલ્યા હતા. તેઓએ ટૉસિલીઝુમેબ ઇન્જેકશનની 40 હજાર કિંમતની બદલે રૂપિયા 57 હજારની કિંમત વસૂલી હતી અને તેનું બીલ પણ આપ્યું ન હતુ. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
આ કૌભાંડમાં કોના-કોના વિરુદ્ધ ગુનો નોંધાયો...? આરોપીઓના નામ નીચે મુજબ છે.
- ઉમા કેજરીવાલ
- મિતુલ મહેન્દ્ર શાહ
- અમિત મંછારામણી
- ઘનશ્યામ અનિરુદ્ધ વ્યાસ
- અભિષેકભાઇ
- ભાવેશ સોલંકી
આ ઘટના અંતર્ગત વેસુની મે. સાર્થક ફાર્માએ છુટક વેચાણનો પરવાનો નહીં હોવા છતા રૂપિયા 40,545ની એમઆરપીના ટૉસિલીઝુમેબ ઇન્જેકશન રૂપિયા 57,000માં બિલ વગર વેચાણ કરતા આરોપીને ફુડ એન્ડ ડ્રગ વિભાગે રંગેહાથ ઝડપી પાડયા હતા. સાર્થક ફાર્માના માલિક ઉમા સાકેત કેજરીવાલે પાલ ગેલેક્ષી સર્કલ નજીક ગેલેક્ષી એન્કલેવમાં દુકાન નં. યુજી 10માં ન્યુ શાંતિ મેડિસીનમાંથી એક વાયલના રૂપિયા 50,000ના ભાવે 3 ઈન્જેકશનના રોકડા ચૂકવી ખરીદ્યા હતા.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડેલા કૌભાંડમાં ઉપરોકત બે ફાર્મા પેઢી ઉપરાંત અમદાવાદની મે. કે.બી.વી. ફાર્મા એજન્સીના અમિત મંછારામણી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસ, સાર્થક ફાર્માના ઉમાબેનના અમદાવાદ ખાતે રહેતા સંબંધી અભિષેક અને અમદાવાદની ધ્રૃવિ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ સોલંકી અને મુંબઇના ભાવેશ નામની પણ સંડોવણી બહાર આવી હતી.
આ પ્રકરણમાં ઉમરા પોલીસે અડાજણની ન્યુ શાંતિ મેડિસીનના માલિક મિતુલ મહેન્દ્ર શાહની ધરપકડ કરી છે જેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે એમઆરપી કરતા વધુ ભાવે ઇન્જેકશન વેચાણ કરતા રંગેહાથ ઝડપાઇ જનારા મે. સાર્થક ફાર્માના ઉમા કેજરીવાલની ઑફિસ અને ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા. પરંતુ હાલ તે અંડરગ્રાઉન્ડ છે.