સુરતઃ સમગ્ર દેશના લોકો વર્ષોથી રામમંદિરના નિર્માણની રાહ જોઈ રહ્યા હતા. 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે.
આ ભવ્ય રામમંદિર માટે લોકો સ્વૈચ્છીક યોગદાન આપી રહ્યા છે. જૈન ધર્મ વિશેષ યોગદાન આપવા માટે આગળ આવ્યું છે. શુભ મંગલ ફાઉન્ડેશન ગુરુરામ પાવનભૂમિ સુરત તરફથી રામમંદિર આંદોલન સાથે જોડાયેલા VHP અને RSSના કાર્યકરોને 11 કિલો રજત દ્રવ્ય અર્પણ કરવામાં આવ્યું છે. સુરત ખાતે ગચ્છાધિપતિ જૈન આચાર્ય વિજય અભયદેવસુરીશ્વરજી મહારાજના હસ્તે આ ચાંદીનું દ્રવ્ય અર્પલ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયેલા અને પોતાનો જીવ ગુમાવનારા કોઠારી બંધુઓના યોગદાનને જૈન ધર્મના જૈન આચાર્યોએ બિરદાવ્યો હતો. આ સાથે જ રામ મંદિરને સમગ્ર ભારતીય પ્રજા માટે ગૌરવ લેવા સમાન ગણાવ્યું હતું અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના આદર્શો અને ગુણો તમામ લોકોના જીવનમાં આવે અને તેના દ્વારા આધ્યાત્મના માર્ગે તમામ લોકો આગળ વધે એવી કામના કરી હતી.