- ગુજરાતમાં પણ ધર્માંતરણનો મામલો આવ્યો સામે
- લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાના આક્ષેપ
- હાલમાં અબ્દુલ ગરીબ બાળકોને મદરેસામાં ભણાવે છે
સુરત : ઉત્તરપ્રદેશ બાદ હવે ગુજરાતમાં ધર્માંતરણ મામલો (Gujarat Religious Conversion Case ) સામે આવ્યો છે. સુરતના સંતોષ પઢારે અબ્દુલ્લા બની ગયો છે. આ અંગેની જાણકારી પરિવારને 6 વર્ષ પહેલા થઈ હતી. આરોપ છે કે, સંતોષને અનેક પ્રકારની લાલચ અને પ્રલોભન આપી તેનું ધર્માંતરણ (Religious Conversion) કરાવવામાં આવ્યું હતું. હાલ તે ક્યાં છે ? તેની પરિવારને કોઈ ખબર નથી, પરંતુ જ્યારે અબ્દુલ્લા બનેલા સંતોષના પરિવારે પોલીસના માધ્યમથી તેને પરત ઘરે લાવ્યા હતા. જેના 5 મહિના બાદ તે કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરમાંથી નાસી ગયો હતો.
6 વર્ષ બાદ અચાનક ફોન આવતા ભાઈઓ ચોંક્યા
સુરતના આઝાદ નગર સ્લમ વિસ્તારમાં પઢારે પરિવારના 3 ભાઈઓ વર્ષોથી રહેતા હતા. નાનપણમાં જ અનાથ થયેલા ત્રણેય ભાઈઓ ગરીબીમાં દિવસો વિતાવતા હતા. આ વચ્ચે સૌથી નાનો ભાઈ સંતોષ વર્ષ 2013માં 16 વર્ષની ઉંમરે અચાનક ગુમ થઈ ગયો હતો. વર્ષો સુધી શોધખોળ બાદ પણ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. 6 વર્ષ બાદ અચાનક જ સંતોષે તેના મોટા ભાઈને ફોન કરીને પોતે સંતોષથી અબ્દુલ્લા બની ગયો હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને બન્ને ભાઇઓ પર આભ તૂટી પડ્યું હતું.
2013માં સંતોષ આશરે 16 વર્ષ હોવાનું ભાઈઓ જણાવી રહ્યા છે
સંતોષે ધર્માંતરણ કર્યા બાદ જ્યારે પ્રથમ વખતે તેના ભાઈને ફોન કર્યો ત્યારે બન્ને ભાઈઓએ તેને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી હતી અને તેને ફરીથી સુરત લાવવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ અબ્દુલ્લા બની ગયેલો સંતોષ પરત આવવા માંગતો નહોતો. આ દરમિયાન બન્ને ભાઈઓએ હિન્દુ સંગઠનના માધ્યમથી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ દિલ્હીના એક મસ્જિદથી તેને લઈ આવી હતી, પરંતુ અંદાજે 5 મહિના બાદ તે ઘરમાં કોઈને કંઈ પણ કહ્યા વગર નાસી ગયો હતો.
કાશ્મીરના મિત્રો અંગે પણ તેને માહિતી આપતો હતો
સંતોષના ભાઈ દિનેશે જણાવ્યું હતું કે, "તે હાલ મદરેસામાં ભણાવે છે. 6 વર્ષ પહેલાં જ્યારે તેણે પ્રથમ વાર ફોન કર્યો, ત્યારે જણાવ્યું હતું કે હવે તે સંતોષ નથી રહ્યો પરંતુ અબ્દુલ્લા બની ગયો છે. તે પોતાના બન્ને ભાઈઓને પણ ધર્મ પરિવર્તન કરીને અમીર બનવાની સલાહ આપતો હતો." દિનેશે વધુમાં જણાવ્યું હતું કે, "તે કાશ્મીરના મિત્રો અંગે પણ તેમને જણાવતો હતો. તેના આ મિત્રો પાકિસ્તાનમાં પણ અનેક મિત્રો ધરાવતા હોવાનું તે જણાવતો હતો."
ગરીબ અને અન્ય ધર્મના બાળકોને મદરેસામાં ભણાવે
દિનેશે વધુમાં જણાવ્યું હતું કે, "મારા ભાઈને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. તે હવે 'હૂર અને જન્નત'ની વાતો કરે છે. તે જણાવે છે કે, જે ગરીબ અને અન્ય ધર્મના બાળકો છે. તેઓને મદરેસામાં ભણાવે છે અને એક દિવસ મૌલાના બનવા માગે છે. અમે અનેક વાર પ્રયત્ન કર્યો કે તેને આ વાતાવરણથી દૂર રાખીએ, પરંતુ તે ફરીથી આ લોકોના સંપર્કમાં આવી જતો હતો. જ્યારે પોલીસના માધ્યમથી તેને સુરત લાવ્યા ત્યારે પણ ચોરીછૂપે મસ્જિદમાં જઈને નમાઝ પઢતો હતો."
સમગ્ર બાબત પોલીસના ધ્યાને લાવી હતી
બજરંગ દળના દક્ષિણ ગુજરાતના સંયોજક દેવી પ્રસાદ દુબેને ત્રણ વર્ષ પહેલા આ બન્નેે ભાઈ મળ્યા હતા. તે સમયે તેમણે આપવિતી જણાવી હતી. ખાસ કરીને કાશ્મીર અને પાકિસ્તાનની વાત આવતા દેવી પ્રસાદ દુબેએ સમગ્ર બાબત પોલીસના ધ્યાને લાવી હતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અબ્દુલ્લા બની ગયેલા સંતોષને દિલ્હીથી લઇ આવ્યા હતા, પરંતુ તે 6 મહિના બાદ નાસી ગયો હતો. આ સમગ્ર બાબતે દેવી દુબેએ જણાવ્યું હતું કે, "આ ખૂબ જ ગંભીર બાબત છે અને સ્લિપર સેલની જગ્યા લોકોનો ઉપયોગ કરી શકાય છે. જે અંગે સરકારે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ."
આ પણ વાંચો -