- સુરતમાં કોરોના શાંત પડ્યો
- પોઝિટિવીટી રેટ ઘટ્યો અને ડિસચાર્જ રેટ વધ્યો
- ખાનગી હોસ્પિટલમાં 25 ટકા બેડ ખાલી
સુરત : શહેરમાં થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી રહી હતી. હાલમાં જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી શહેર અને જિલ્લા મળી કુલ કેસ પંદરસોની અંદર નોંધાઈ રહ્યા છે માત્ર શહેરમાં જ બે હજારથી વધુ કેસ નોંધાતા હતા જોકે હાલ કેસની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
રિકવરી રેટ 84 ટકા ઉપર
હાલ સુરત શહેરમાં પોઝિટિવીટી રેટ 10 ટકાની અંદર છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસમાં રિકવરી રેટ પણ 84 ટકા ઉપર પહોંચી જતા પોઝિટિવ નોંધાતા દર્દીઓની સામે ડિસ્ચાર્જનો રેશિયો વધ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે. એટલું જ નહીં ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઘટતા દૈનિક ઓક્સિજન ડીમાન્ડ અને જીવનરક્ષક રેમડેસીવીરની માંગ ઘટી રહી છે.
આ પણ વાંચો : માતાનું દીકરીના વ્હાલભર્યા શબ્દોથી મનોબળ વધ્યુંઃ કોરોનાને આપી માત
હોસ્પિટલમાં મોતનો આંકડો પણ ઘટી રહ્યો છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા સાથે ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. શહેર અને ગ્રામ્યમા કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી રહી છે. એપ્રિલ માસમાં કોરોનાનો કાળા કહેર પછી, મે મહિનાની શરૂઆતમાં જ કોરોના શાંત પડયો હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં કોરોનાનો કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બે સરકારી હોસ્પિટલ, નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પણ ઘટવા લાગ્યા છે અને હોસ્પિટલમાં મોતનો આંકડો પણ ઘટી રહ્યો છે.
ખાનગી હોસ્પિટલમાં 25 ટકા બેડ ખાલી
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ડુંગરી ઘરે જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 10 ટકા બેડ ઉપલબ્ધ છે અને ખાનગી હોસ્પિટલમાં 25 ટકા બેડ ખાલી છે ભલે શહેર અને જિલ્લામાં કેસ ઓછા થયા હોય પરંતુ લોકોને ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.