- ગણેશ પ્રતિમાને સ્થાપિત કરવા માટે ભક્તો અલગ અલગ થીમ પસંદ કરી રહ્યા છે
- કોરોના, લોકડાઉન, વેક્સિનેશન અને તૌકતે વાવાઝોડા થીમ પર કરી પ્રતિમાની પસંદગી
- લોકોને જાગૃત કરવા માટે અને સંદેશ આપવાના હેતુસર આ થીમ તૈયાર કરવામાં આવે છે
સુરત : ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણેશ પ્રતિમાને સ્થાપિત કરવા માટે ભક્તો અલગ અલગ થીમ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને કોરોના, લોકડાઉન, વેક્સિનેશન અને તૌકતે વાવાઝોડા થીમ પર લોકો ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા જઈ રહ્યા છે.
રસીકરણની જાગૃતિને ધ્યાનમાં રખાશે
મહારાષ્ટ્ર બાદ ગણેશ ઉત્સવ સૌથી રંગેચંગે સુરતીઓ ઉજવતા હોય છે. હજારોની સંખ્યામાં દર વર્ષે શહેરમાં ગણેશ પ્રતિમાની સ્થાપના થતી હોય છે. અતિ આકર્ષક ગણેશ પ્રતિમા સાથે સુરતના લોકો ખાસ થીમ પણ રાખે છે આ વખતે સુરતીઓ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની સાથે લોકોને જાગૃત અને સંદેશ આપવા માટે ખાસ થીમ પર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા જઈ રહ્યાં છે. આ વર્ષે પણ કોરોનાની બીજી લહેરના કારણે જે સ્થિતિ શહેરમાં જોવા મળી હતી એજ થીમ ગણેશ ઉત્સવ પર શહેરમાં નજર આવશે.
થીમ 1
કોરોનાની બીજી લહેર આ વખતે ગણેશ ઉત્સવના પર્વ પર જોવા મળશે સુરતના મૂર્તિકાર નીરવ ઓઝા દ્વારા તૈયાર કરવામાં આવેલા કોરોનાની કટોકટી વચ્ચે કઈ રીતે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી તે જોવા મળશે. આ થીમ માં જોવા મળશે કે કઈ રીતે કોરોના વખતે ડોક્ટરોએ દર્દીઓની સારવાર કરી હતી પરંતુ ડોક્ટરના રૂપમાં ગણપતિબાપા જોવા મળશે.
થીમ 2
લોકડાઉનમાં જે સ્થિતિ શહેરમાં જોવા મળી હતી તે જ સ્થિતિ ગણેશ ઉત્સવના તહેવારમાં જોવા મળી રહી છે. લોકડાઉનમાં તમામ દુકાનો, શાળાઓ કોલેજ બંધ હતાં. પોલીસે આ લોકડાઉન દરમિયાન જે કામગીરી કરી છે તે એક ખાસ થીમ થકી દર્શાવવામાં આવી રહી છે.
થીમ 3
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે જે સ્થિતિ સર્જાઈ હતી તેને થીમના માધ્યમથી રજૂ કરાયું છે. વૃક્ષ અને વીજપોલ જે રીતે આ વાવાઝોડાના કારણે ધરાશાયી થઇ ગયાં હતાં તે આબેહૂબ આ થીમમાં દર્શાવવામાં આવ્યા છે અને વચ્ચે ગણેશજીની પ્રતિમા છે જે લોકોનું રક્ષણ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ કપરાડામાં યોજાયો યુવા મહોત્સવ, કોરોના થીમ પર રજૂ થયાં કાર્યક્રમ