- કાપડના વેપારીઓ છેતરપિંડીનો બન્યા ભોગ
- રાજસ્થાન-UPના વેપારીએ કરી ઠગાઈ
- વિશ્વાસઘાત અંતર્ગત નોંધાઈ ફરિયાદ
સુરત: રિંગરોડ સ્થિત ન્યુ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પાસે રૂપિયા 15.36 લાખનો કાપડનો માલ ખરીદનારા રાજસ્થાનના વેપારી અને રઘુકુલ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પાસે રૂપિયા 5.90 લાખની કિંમતની સાડીનો માલ મંગાવી રાજસ્થાન અને યુપીના વેપારીઓએ પેમેન્ટ નહીં ચૂકવી ધમકી આપ્યા બાદ ઉઠમણું કર્યું હતું. સીટીલાઈટ અગ્રસેન ભવન પાસે આવેલી સૂર્ય રેસિડેન્સીમાં રહેતા વેપારી અંકિત રામ અવતાર અગ્રવાલ રિંગરોડ સ્થિત ન્યુ ટેક્સટાઈલ માર્કેટની દુકાન નંબર-3404થી 3407 સાતમાં અંબાજી તેમજ શ્રી દુર્ગા ટેક્સટાઈલ ફર્મથી કાપડનો વેપાર કરે છે.
ધમકી અંતર્ગત ફરિયાદ નોંધાવી
રિંગરોડ સ્થિત લિનિયર બસ સ્ટેન્ડ સામે આવેલી જાપાન ટેક્સટાઇલ માર્કેટમાં ઓફિસ ધરાવી કાપડ દલાલી કરતા રાકેશ સિંગલાએ રાજસ્થાનમાં સુરેશચંદ્રના કંપનીના વેપારી બાબુલાલે 7મી ડિસેમ્બર 2015થી 4 એપ્રિલ 2017ના સમયગાળામાં તબક્કાવાર કુલ 15,36,845ની કિંમતનો વિવિધ કાપડનો માલ ઉધાર ખરીદ્યો હતો. બાદ નિયત સમયે પેમેન્ટ નહીં ચૂકવી ઉઘરાણી કરતા ધમકી આપી ફોન બંધ કરી પેમેન્ટ નહીં ચૂકવી ઠગાઈ કરી હતી, જે મામલે વેપારી અંકિત અગ્રવાલે જરૂરી તસવીરના અંતે સલાબતપુરા પોલીસ મથકમાં રાજસ્થાની વેપારી બાબુલાલ અને દલાલ વિરૂદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.
UPના શાહ પરિવાર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
અન્ય બીજા બનાવમાં મહારાણા પ્રતાપ ચોકમાં સર્જન રો-હાઉસમાં રહેતા વેપારી પવનકુમાર પરમાત્મા પ્રસાદ પાંડે રિંગરોડમાં આવેલ રઘુકુળ માર્કેટમાં ટી.ટી ટ્રેડર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની ફર્મથી સાડીનો વેપાર કરે છે. UPના બરેલીમાં અભિષેક સિન્થેટિક ફર્મ ધરાવતા રાધા શાહ અને સંજીવ શાહ સહિત ત્રિપુટીએ 25 એપ્રિલ 2019થી 1 જુલાઈ 2019 દરમિયાન વેપારી પવન કુમાર પાંડે પાસેથી 5,90,982ની કિંમતની સાડીનો માલ ખરીદી કર્યો હતો. માલની સામે આપવામાં આવેલા ચેક રિટર્ન થતાં વેપારીએ ઉઘરાણી હાથ ધરી હતી. ત્યારબાદ એક સાથે પેમેન્ટ કરવાનો વિશ્વાસ આપી રાકેશ પાંડે નામના પરિચિત વેપારીએ વધુ 1,94,828ની કિંમતની વધુ સાડીનો માલ મંગાવી કુલ રૂપિયા 7,85,810નું પેમેન્ટ નહીં ચૂકવી શાહ પરિવાર ત્રિપુટીએ દુકાન બંધ કરી દઈ ઉઠમણું કર્યું હતું. જે મામલે પવન કુમાર પાંડેએ સલાબતપુરા પોલીસ મથકમાં UPના શાહ પરિવાર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.