- 15 દિવસ પહેલા 45 કેસો હતા, આજે માત્ર 12 જ એક્ટિવ કેસ
- એક મહિનામાં 7 લોકોના થયા મોત
- નવા કેસોની સંખ્યામાં ઘટાડો થતા ગ્રામજનોમાં રાહત
સુરત: બારડોલી તાલુકાનાં સરભોણ ગામમાં એક મહિના 15 દિવસ અગાઉ 45 જેટલા કોરોનાના એક્ટિવ કેસો હતા પરંતુ ગ્રામજનો જાગૃતતાને કારણે હવે કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલમાં ગામમાં માત્ર 12 જેટલા જ કેસ એક્ટિવ છે. નવા કેસો પણ નહિવત્ આવતા ગ્રામજનોમાં રાહત જોવા મળી રહી છે.
ગામમાં 20 બેડનું આઇસોલેશન સેન્ટર કાર્યરત
બીજી તરફ કોરોનાની લહેરમાં ગ્રામજનોએ ગામને કોરોનામુક્ત અને સુરક્ષિત રાખવાના સંકલ્પને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ગામમાં તમામ આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ 20 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવા સાથે ગ્રામજનોએ ફરજિયાત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવા જેવી સરકારની તમામ ગાઇડલાઇનને પાળી બતાવી છે. સરભોણ ગામ અને આસપાસના નિણત, બાબલા, ભૂવાસણ ગ્રામ પંચાયત એમ ચાર ગામો દ્વારા સંયુક્ત રીતે રાધાગોવિંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ કોવિડ કેર સેન્ટરમાં 24 કલાક માટે ડોક્ટર ઉપલબ્ધ રહેતા ઈમરજન્સીના સમયે ગ્રામજનોને મોટી રાહત થઈ પડે છે.
આ પણ વાંચો: રાજકોટમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો
ગ્રામજનો ગાઈડ લાઈનનું કડકાઈથી પાલન કરી રહ્યા છે
સરભોણ ગામના આગેવાન અને બારડોલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પરીક્ષિત દેસાઈએ જણાવ્યું હતું કે, ગ્રામજનો બધા જ નિયમોનું પાલન કરે છે તેમજ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી માટે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન જ ઘરની બહાર નીકળે છે. વેપારીઓ પણ આ નિયમોનું કડકાઇથી પાલન કરી રહ્યા છે. ગામમાં ઊભા કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં તબીબ સહિત દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, સાથે દર્દીને એક એટેન્ડન્ટ પણ 24 કલાક મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના પર કાબૂ મેળવવા 10 સભ્યોની કમિટી બનાવી
આ ઉપરાંત સરભોણ ગામમાં 10 સભ્યોની કોવિડ સમિતિ બનાવવામાં આવી છે. જે તમામ બાબતોનું યોગ્યપણે ધ્યાન રાખે છે સાથે ગ્રામજનો પણ સ્વયં શિસ્ત અને કરફ્યૂનું પૂરેપૂરું પાલન કરી રહ્યા છે. તેમ સરપંચ રક્ષાબેન રાઠોડે જણાવ્યું હતું.
આ પણ વાંચો: સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા થતા ઉકાળા અને શક્તિવર્ધક ગોળીના વિતરણનું હજારો લોકોએ લીધો લાભ
આરોગ્ય વિભાગ દ્વારા પણ દવા અને ઉકાળાનું વિતરણ
એટલું જ નહીં સરભોણ અને તેની આસપાસના ગામોમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંશમની વટી, ગળોની ટેબ્લેટ સાથે ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનો પોતાની જવાબદારી સમજી બિનજરૂરી અવર-જવર ટાળી રહ્યા છે. આ સાથે ઘરમાં જ રહી નિયમોનું પાલન કરી રહ્યા છે અને કોરોના સંક્રમણને પૂરી તકેદારી સાથે અટકાવી રહ્યા છે.
15 દિવસના સંપૂર્ણ લોકડાઉનથી મળી સફળતા
બીજી તરફ લગભગ 4,500ની વસ્તી ધરાવતા આ ગામમાં કોરોનાને કારણે છેલ્લા એક મહિનામાં 7 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે પંદર દિવસ પહેલા ગામમાં 45 જેટલા કેસ એક્ટિવ હતા પરંતુ ગ્રામજનો તેમજ વેપારીઓની જાગૃતતા તેમજ ગયા દિવસો દરમિયાન ગામમાં લાગુ કરવાં આવેલા 15 દિવસના સંપૂર્ણ લોકડાઉનને કારણે સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હોવાનો દાવો ગ્રામ અગ્રણીઓ કરી રહ્યા છે.