- સુરત ભાજપે નર્સને આપી ટિકિટ
- આ નર્સે ઍમ્બ્યુલન્સ ચલાવી દર્દીનો જીવ બચાવ્યો હતો
- રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડથી થયાં હતાં સન્માનિત
સુરતઃ શહેરની એક નર્સે ઍમ્બ્યુલન્સ ચલાવી દર્દીનો જીવ બચાવ્યો હતો. જેથી તેમને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સન્માન મેળવનારી નર્સને ભાજપે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ વખત કોઇ નર્સને ચૂંટણી લડવા માટે મેદાને ઉતારવામાં આવી છે.
2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ એનાયત
હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરનારી નર્સને કોર્પોરેટર બની પોતાના વોર્ડના લોકોની સેવા કરવાની તક ભારતીય જનતા પાર્ટીએ આપી છે. ગત કેટલાક વર્ષોથી નર્સ તરીકે ફરજ બજાવનારી કૈલાશ સોલંકીને ભારતીય જનતા પાર્ટીએ ભટાર-વેસુ-ડુમ્મસ વોર્ડ 22થી ટિકિટ આપી છે. તેમના ઉત્કૃષ્ટ કાર્યના કારણે તેમને વર્ષ 2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
નર્સોને સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કર્યું
તેમણે પોતાની બુદ્ધિ અને કુશળતા સાથે અનેક દર્દીઓનો જીવ બચાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અચાનક જ એક દર્દીની તબીયત લથડતાં તે પોતે ઍમ્બ્યુલન્સ ચલાવી હોસ્પિટલ પહોંચ્યાં હતા. આટલું જ નહીં 2008માં સુરતમાં આવેલા પૂર સમયે 20 ફૂટ જેટલા પાણીમાં ફસાયેલી ગર્ભવતી મહિલાનું રેસ્ક્યૂ કરી હોસ્પિટલ સુધી લઈ ગયાં હતાં. આ ઉપરાંત ઝેરીલા સાપના ડંખથી બેભાન થયેલા યુવાને સમય સૂચકતા વાપરી તેમણે બચાવ્યો હતો. આ સાથે જ કોરોનાકાળમાં તેમણે નર્સોને સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કર્યું છે.
1,200થી વધુ કોરોના દર્દીઓને સાજા કર્યા
પોતાની કારકિર્દીમાં તેમણે અનેક સર્વશ્રેષ્ઠ કાર્ય કર્યું છે. કૈલાસ સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં અલથાન ખાતે આવેલા અટલ કોવિડ સેન્ટરમાં તેમણે 3 મહિના સુધી દિવસ રાત મહેનત કરી દર્દીઓની સેવા કરી હતી. તેમની દેખરેખમાં 1,200થી વધુ કોરોના દર્દીઓ સાજા થયા છે. આ સેન્ટરમાં એક પણ કોવિડ ગ્રસ્ત દર્દીનું મોત પણ થયું નથી.