અમૃતસરઃ પંજાબની ભગવંત માન સરકાર રાજ્યમાંથી ગુંડાઓના આતંકને ખતમ કરવા માટે કમર કસી રહી છે. પંજાબ પોલીસ સરકારના નિર્દેશો પર બદમાશો પર કાર્યવાહી કરી રહી છે. બીજી બાજુ દરરોજ એન્કાઉન્ટરના અહેવાલો મળી રહ્યા છે. દરમિયાન મધરાતે અમૃતસરમાં વેર્કા બાયપાસની સામે દારા હોટલ પાસે પોલીસ અને ગુંડાઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. પોલીસે ગુનેગારોને પકડવા માટે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો.
સમાચાર અનુસાર, ગુંડાઓએ રાત્રિ દરમિયાન પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે બાદ પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. આ સાથે જ બંને તરફથી ઝડપી ગોળીબાર શરૂ થયો હતો.
પોલીસની જવાબી કાર્યવાહીમાં એક બદમાશને પગમાં ગોળી વાગી હતી અને તેને ઈજા થઈ હતી. જ્યારે તેનો અન્ય સાથી તક જોઈને ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે ફરાર ગુનેગારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન, એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા અજનલાના રહેવાસી આરોપી સૂરજ મંડીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં સ્નેચિંગની અનેક ઘટનાઓમાં સંડોવાયેલા સૂરજ મંડીની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે બે NRI પરિવાર પાસેથી છેડતીના કેસ નોંધાયા હતા. તેની સામે અગાઉ પણ બે કેસ નોંધાયેલા છે. પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું કે આરોપીઓએ ચોરીનું પર્સ સ્થળ પર છુપાવી દીધું હતું. તેની રિકવરી માટે તેને વેરકા બાયપાસ પર લાવવામાં આવ્યો હતો.