જૂનાગઢ: જિલ્લાના વોર્ડ નંબર 10 ના નવા નાગરવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ વિસ્તારના સ્થાનિક લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નગરસેવક પણ લોકોની સમસ્યાને લઈને કોર્પોરેશન કચેરી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. આ સમગ્ર મામલામાં આગામી બે-ત્રણ દિવસમાં તમામ રહેણાંક મકાનોને ભૂગર્ભ ગટરનું નવું કનેક્શન આપીને લોકોની સમસ્યા દૂર કરવાની દિશામાં કોર્પોરેશન કામ કરશે તેવો પ્રતિભાવ બાંધકામ શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ આપ્યો છે.
ભૂગર્ભ ગટરના કામ અને લોકોને મુશ્કેલી: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 10ના નવા નાગરવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, આ કામ માટે જમીન ખોદતાં અહીં વિસ્તારમાં ચાલીને નીકળવું મુશ્કેલ બની ગયું હતું. આ કામ દરમિયાન નવી પાઇપલાઇન જમીનમાં પાથરી દેવામાં આવી છે, પરંતુ તેમાં રહેણાંક મકાનોના નવા કનેક્શનનો આપવામાં આવ્યા નથી. પરિણામે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
લોકોની મુશ્કેલીઓને લઈને આ વિસ્તારના પૂર્વ નગરસેવકે પણ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકોની સમસ્યા દૂર થાય તે માટે રજૂઆત કરી છે. તેમ છતાં હજુ બે-ત્રણ દિવસ સુધી આ વિસ્તારના લોકોને ભુગર્ભ ગટરનું નવું કનેક્શન મળશે તેવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.
મનપાના અધિકારીએ આપ્યો પ્રતિભાવ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંધકામ અધિકારી અલ્પેશ ચાવડાએ ETV Bharatને વિગતો આપતા જણાવ્યું છે કે, "આ વિસ્તારમાં છેલ્લા આઠ 10 દિવસથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે લોકોને થોડે ઘણે અંશે મુશ્કેલીમાંથી પસાર થવું પડી રહ્યું છે. હાલ ભુગર્ભ ગટરનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી આગામી એક કે બે દિવસમાં આ વિસ્તારના તમામ સ્થાનિક રહેઠાણ એપાર્ટમેન્ટ અને વ્યાપારિક સંકુલોના જોડાણમાં નવી ગટરલાઇન આપી દેવામાં આવશે."
સ્થાનિક લોકોએ આપ્યો પ્રતિભાવ: આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર હિતેશ ગાંધીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, "છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની મુશ્કેલી સતત વધી રહી છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી, પરંતુ મારા સ્થાનિક મતદારોની સમસ્યાને લઈને હું અનેકવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી ચૂક્યો છે. બે દિવસમાં જો આ પ્રકારે લોકોની મુશ્કેલી દૂર નહીં થાય તો કોર્પોરેશન સમક્ષ અમે સૌ લોકો આંદોલન પર ઉતરીશું."
બીજી બાજુ આ વિસ્તારના સ્થાનિક મહિલા શોભનાબેન જણાવે છે કે, "છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોર્પોરેશનને અમને પાયાની સુવિધા આપી નથી. આજે મળશે કાલે મળશે તેવું વિચારીને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા પણ હજુ સુધી પાયાની સુવિધા મળી નથી જેને કારણે અમારે આજે ના છૂટકે વિરોધ કરવા માટે ઉતરવું પડ્યું છે."
આ પણ વાંચો: