વલસાડ: પારડીના મોતિવાડા ખાતેના ચકચારી 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં વલસાડ જિલ્લા પોલીસે સિરિયલ કિલરને ઝડપી પાડી અન્ય પાંચ મર્ડરના ગુના પણ ઉકેલી નાખ્યા છે. આરોપી નાનપણથી જ ચોરીની ટેવ વાળો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે સુરતથી લઇ પુના સુધીના તમામ રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવી આરોપી બાંદ્રાથી વાપી માટે ટ્રેનમાં બેસતા જ વાપી સ્ટેશનને ઉતરતાની સાથે જ રેલવે પોલીસ અને જીઆરપીએફ દ્વારા તેને દબોચી લીધો હતો. પોતે જ્યારે પકડાયો ત્યારે પણ સવારે એક મહિલા સાથે દુષ્કર્મ કરી તેને ગળુ દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારીને આવ્યો હોવાનું પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું.
દસ દિવસ પહેલા બનેલી ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા
પોલીસ પારડીના ચકચારી કેસની તપાસ કરી રહી હતી તેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. તપાસમાં પોલીસે જાણવા મળ્યા પ્રમાણે, ઉદવાડા મોતીવાડા નજીક 19 વર્ષે યુવતી ટ્યુશન ઉપરથી છૂટી પોતાના ઘરે પરત જઈ રહી હતી ત્યારે તેની પાછળ ચાલીને આવેલા એક યુવકે એનું મોઢું દબાવી તેને બેહોશ કરી નાખી ઝાડીમાં ફેંકી દીધી હતી અને તે બાદ તેની સાથે દુષ્કર્મ આચરી પોતાની ઓળખ છુપાવવા માટે યુવતીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ચાલ્યો ગયો હતો જે ઘટના એ ભારે ચકચાર જગાવી હતી. જો કે તે બાદમાં પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
300 થી વધુ પોલીસ કર્મીઓ આરોપીને શોધવામાં દિવસ રાત એક કર્યા
મોતીવાડા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને પકડવા માટે 300 થી વધુ પોલીસ કર્મીઓની ફોજ ઉતારી દીધી હતી અને દિવસ રાત એક કરી આખરે આરોપી સુધી પહોંચી જઈ તેને દબોચી લીધો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના જણાવ્યા અનુસાર દુષ્કર્મ અને હત્યાના કેસને ગંભીરતાથી લઈ પોલીસે જિલ્લાના 10 પોલીસ સ્ટેશનના કર્મચારી, 4 ડીવાયએસપી, 12 પી આઈ, 20 પીએસઆઇ અને 300 થી વધુ હોમગાર્ડ અને પોલીસ કર્મીને તપાસ સાથે ઉતારી દીધા હતા અને તેમના દ્વારા અનેક જગ્યાઓ પર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી મળેલા કપડાને આધારે તેમણે અનેક જગ્યાઓના સીસીટીવી કેમેરા ચેક કરતા આખરે વાપી રેલવે સ્ટેશન ઉપર મળી આવેલા કપડાના આધારે એક શંકાસ્પદ યુવક CCTV માં દેખાઈ આવ્યો હતો. જે બાદ તેની શોધખોળ પોલીસે હાથ ધરી હતી.
આરોપીને બેક ટ્રેકિંગ કરતા પોલીસ મછલીપ્ટનમ સુધી પહોંચી
પોલીસે શંકાસ્પદ મળેલા કપડાના વર્ણન વાળા આરોપીને શોધખોળ કરવા માટે સીસીટીવીના આધારે દરેક રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાઓ ચેક કરતા શકમંદનો પીછો કરતા કરતા પોલીસ છેક મછલી પટ્ટનમ સુધી પહોંચી હતી. આરોપી મછલી પટ્ટનમ આંધ્રપ્રદેશથી નીકળી પ્રથમ શિરડી, તે બાદ બાંદ્રા દાદર અને બાદમાં વાપી પહોંચ્યો હોવાનું પોલીસે તપાસના આધારે બહાર આવ્યું હતું.
વિવિધ જેલોમાં પકડાયેલા અને છૂટેલા આરોપીઓની ડિટેલ પણ એકત્ર કરી
પોલીસે મોતીવાડામાં થયેલી દુષ્કર્મ અને હત્યાનો ગુનો ઉકેલો માટે આરોપી સુધી પહોંચવા નાસિક થાને પાલગર લાજપોર સહિત અનેક જેલમાં અલગ અલગ ટીમો મોકલીને હાલમાં જ છૂટેલા આરોપીઓના તપાસ તેમજ તેમના સંબંધના વર્ણનને આધારે ત્યાં હાજર રહેલા અને છૂટેલા આરોપીઓની તપાસ કરતા જોધપુર જેલમાં 18 મે 2024 ના રોજ એક આરોપી જે પોલીસના શંકા આવે તેવો હતો, તે મળી આવ્યો હતો. પોલીસે તેની વધુ કડી મેળવવા તેના ગામ સુધી પહોંચી અને તપાસ કરતા તે ડાબા પગેથી ખોડાઈને ચાલતો હતો.
પકડાયેલો આરોપી મૂળ હરિયાણાનો અને સિરિયલ કિલર
મોતીવાડા દુષ્કર્મ અને હત્યા કેસમાં પકડાયેલો આરોપી રાહુલ કર્મવીર જાટ ઉંમર વર્ષ 29 રહેવાસી મોખરા ખાસ, રોહતકની તપાસમાં વિવિધ વિગતો ચકાસી હતી. જે હરિયાણાનો રહેવાસી હતો તેમ જ ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો હતો. ધોરણ ચારથી જ તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો ત્યારે જ તેણે સાયકલ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. અત્યાર સુધીમાં તેની પર અપહરણ, ચોરી, લૂંટ, આર્મ એકટ અનેક ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં તેની સામે કુલ 13 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.
આરોપી અપંગ હોવાનો ફાયદો ઉઠાવતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી રાહુલ કર્મવીર જાટ પોતે ડાબા પગે અપંગ હોવાને લઈને અનેક જગ્યાઓ પર ફરવા માટે તે મોટાભાગે રેલવેમાં મુસાફરી કરતો હતો. કારણ કે ટ્રેનોમાં દિવ્યાંગ લોકો માટે અલગથી ડબ્બો હોય છે જેમાં બેસી તે સફર કરતો હતો અને મોટાભાગે ટ્રેનમાં ચોરીને અંજામ આપતો હતો.
25 દિવસમાં કુલ ચાર જેટલી હત્યાને અંજામ
પકડાયેલા આરોપી રાહુલ જાતે પોલીસની પૂછપરછ દરમ્યાન જણાવ્યું કે, તેણે છેલ્લા 25 દિવસમાં કુલ 4 જેટલા ગુનાઓ કર્યા છે જેમાં 4 જેટલી હત્યાઓ તેમજ એક મહિલા સાથે દુષ્કર્મ કરી તેનું ગળુ દબાવી હત્યા કરી હતી. જેમાં કર્ણાટક રાજ્યના મેંગલોરમાં 25 ઓગસ્ટના રોજ એકનું ગળું દબાવી હત્યા કરી હતી. જ્યારે પશ્ચિમ બંગાળના 19 નવેમ્બરના રોજ હાવરા નજીક એક તબલા વાદકને ચાકુ મારી તેને ટ્રેનમાં જ લૂંટી લીધો હતો અને તેને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો જ્યારે તેલંગાના વિસ્તારના સિકંદરાબાદમાં એક મહિલા સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હતી. તો બીજી તરફ પુનાથી કન્યાકુમારીની ટ્રેનમાં 17 થી 21 ઓક્ટોબર દરમિયાન દુષ્કર્મ સાથે હત્યાના ગુનાને પણ અંજામ આપ્યો હતો. આ તમામ ગુનાઓ હાલ અનડીટેક્ટ હોય વલસાડ પોલીસે તમામ રાજ્યની પોલીસને આ ઘટના અંગે જાણ કરી તમામ ગુનાઓ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે.