કચ્છ: ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાંથી મેડીકલ ડિગ્રી કે સર્ટી વગર સારવાર આપતા ડોકટર અને મેડીકલ ચલાવતા 3 લોકોની અટકાયત કરીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે. માધાપર નવાવાસ ખાતે ડોકટર જગદીશ પટેલ ડોકટરની ડીગ્રી તેમજ લાયસન્સ નહીં હોવા છતાં પ્રેકટીસ કરતો હતો. આરતી ક્લિનિક નામનું દવાખાનું ચલાવતો હતો. અનુમાન અને અનુભવના આધારે જુદા જુદા દર્દીઓને તપાસી ગેરકાયદેસર રીતે તેઓને એલોપેથીક દવા તથા ઇન્જેકશનો આપતો હતો.
મેડીકલ ડિગ્રી કે સર્ટી વગર સારવાર આપી: માધાપર વિસ્તારમાંથી બિમાર લોકોની જિંદગી તથા સ્વાસ્થ સાથે મેડીકલ ડિગ્રી કે સર્ટી વગર સારવાર આપી બેદરકારી ભર્યું કૃત્ય કરતા ડોક્ટર તથા મેડીકલ ચલાવનાર સહીત ત્રણ લોકોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી કાર્યવાહી: પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બનાવટી ડિગ્રીને આધારે ક્લિનિક/દવાખાનાઓ ખોલી લોકોના જિંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી આવી ક્લિનિકો/દવાખાનાઓ ઉપર રેડ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાને ખાનગી બાતમી મળી હતી કે, ભુજ તાલુકાના માધાપર નવાવાસ મધ્યે પટેલ ઈંગ્લીશ સ્કૂલ નજીકમાં ડોક્ટર જગદીશ રાજારામ પટેલ "આરતી કલિનિક" નામનું દવાખાનું ચલાવે છે અને તેની પાસે કોઈ પણ સરકાર માન્ય ડોકટરની ડીગ્રી તેમજ લાયસન્સ નહીં હોવા છતાં પ્રેક્ટીસ કરી માધાપર વિસ્તારના દર્દીઓને તેઓના દવાખાનામાં દાખલ કરી એલોપેથિક દવાઓ આપવાનું, ઈન્જેકશન આપવાનું, બાટલા ચડાવવાનું તેમજ દર્દીઓના બ્લડ સેમ્પલો મેળવી લેબોરેટરીમાં મોકલવાનું કૃત્ય કરે છે.
આરતી ક્લિનિક નામના દવાખાનામાં રેડ: બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બાતમી વાળી જગ્યા "આરતી ક્લિનિક" નામના દવાખાનામાં રેડ પાડી હતી. જ્યાં ચાર લોકો હાજર હતા, જેમા બે વ્યકિતઓ (દર્દી)ઓ ખાટલામાં દાખલ હતા અને તેમને બાટલાઓ વાટે દવાઓ આપવાનું ચાલુ હોવાનું જણાઈ આવ્યું હતું.
માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદા જુદા દર્દીઓની સારવાર: આ ઉપરાંત અન્ય એક દર્દી ખુરશીમાં હતા. તેમની પુછપરછ કરતા 3 દર્દીઓએ જણાવ્યું હતું કે, તેઓને ડેન્ગ્યુ તાવ આવતો હતો. આ દવાખાનામાં સારવાર લેવા દાખલ થયા હતા. તેમજ ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો. તેનું રૂબરૂ નામ પુછતા પોતે પોતાનું ડોક્ટર જગદીશ રાજારામ હોવાનું જણાવ્યું હતું. આ દવાખાનું પોતે માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદા જુદા દર્દીને તપાસી ગેરકાયદેસર રીતે તેઓને એલોપેથીક દવા, ઇન્જેકશનો તેમજ બ્લડ સેમ્પલો, બાટલાઓ, દવાઓ આપી સારવાર કરતો હોવાનુ પંચો તેમજ મેડીકલ ઓફિસરે જણાવ્યું હતું.
જરૂરી ડોકટરના સર્ટીફીકેટ, ડિગ્રી કે લાયસન્સ ન હોતા ઝડપાયો: વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,'આ નકલી ડોકટર પાસે જરૂરી ડોકટરના સર્ટીફીકેટ, ડિગ્રી કે લાયસન્સ હોય તો રજુ કરવા જણાવતા તેની પાસે આવુ કોઈ પ્રમાણપત્ર નહીં હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે રહેલા "બેચલર ઓફ અલ્ટરનેટ મેડીશન” ડિગ્રીનું પ્રમાણપત્ર હાજર મેડીકલ ઓફિસરને બતાવતા જાણવા મળ્યું કે, આ સરકાર માન્ય ડિગ્રી નથી. આ ડિગ્રી અન્વયે આરોપીઓ દર્દીઓને દવાખાનામાં દાખલ કરી એલોપેથિક દવાઓ, ઈન્જેકશન, બાટલાઓ તેમજ દર્દીઓના બ્લડ સેમ્પલો મેળવી શકતા નથી.
અન્ય લાયસન્સના નામે મેડીકલ સ્ટોર: આ ઉપરાંત પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી જગદીશ પટેલ તેના દવાખાનામાં લાવેલી દવાઓ કઈ જગ્યાએથી લાવેલી છે. તે બાબતે પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, દવાખાનાની સામેના ભાગે "દેવ કોમ્પલેક્ષ" માં અંશ મેડિકલ સ્ટોર છે, જે તેના પત્ની આરતીબેનના નામે છે. તેમાંથી દવા લાવતા હતા. મેડીકલ સ્ટોર પર તપાસ કરતા મહેન્દ્રભાઈ જગદિશભાઈ પટેલ હાજર મળી આવ્યા હતા. જેથી આરોપીને મેડીકલ ચલાવવા સંબંધે લાયન્સની માંગણી કરતા તેમણે જણાવ્યું કે, આ મેડીકલનું લાયસન્સ નઈમ આલમ સમાના નામે છે.
ગુજરાત કાઉન્સીલ દ્રારા અધિકૃત પ્રમાણપત્ર પણ નહીં: મેડીકલ સ્ટોરની તપાસ કરતા ત્યાં એક લાકડાનું પાર્ટીસન હતું જે ચેક કરતા તે જગ્યાએ બે દર્દીઓ ખાટલામાં સુતેલ હતા અને તેઓને બાટલાઓ વાટે દવાઓ ચાલુ હતી. તેમજ મેડીકલ સ્ટોર ચલાવવા અંગેના લાયસન્સની માંગણી કરતા તેની પાસે ગુજરાત કાઉન્સીલ દ્રારા અધિકૃત પ્રમાણપત્ર (લાયસન્સ) નહી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી દવાખાનામાંથી ગેરકાયદેસર રીતે કુલ 3510 રૂપિયાની અલગ અલગ દવાઓ તેમજ 3 આરોપીઓ પાસેથી 20,000ની કિંમતના 4 મોબાઇલ ફોન મળી કુલ 23,510 ના મુદામાલ સાથે પકડાઇ જતા ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માધાપર પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: