વેસુના એન્જોય એપાર્ટમેન્ટમાં રહેતા નેહલ કાંતિલાલ નામના બિલ્ડરની સિટીલાઈટ ખાતે આવેલા હિરા પન્ના શોપિંગ સેન્ટરમાં ઓફિસ છે. અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરિતો ખંડણી માટે તેમને ધમકી આપતા હતા. 25 સપ્ટેમ્બરના રોજ અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરિતોએ નેહલની હિરા પન્ના ઓફિસમાં ટેમ્પરી કબજો મેળવીને નેહલ પાસેથી 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ ઉપરાંત રૂપિયા નહીં આપવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
નેહલે આ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ક્રાઇમબ્રાંચે અનિલ કાઠીના બે સાગરિતોની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને પકડી શકી નહોતી. તે દરમિયાન અનિલ કાઠીએ નેહલને બીજી વખત ફોન કરીને ધમકતી આપી હતી. જેથી નેહલસે ફરિ ઉમરા પોલીસ મથકમાં અનિલ કાઠી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પોલીસ આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ પૂરવાર થઇ હતી.
આ સમગ્ર મામલામાં હવે નાટ્યાકત્મક વળાંક આવ્યો છે. મંગળવારે મોડી સાંજે અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ ઉમરા પોલીસમાં આત્મસમર્પણ કર્યું હતું. જેથી ઉમરા પોલીસે રાત્રે બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર પંજાબીએ 1999માં લાકડાના વેપારી દામોદર કચ્છી પાસેથી 1 કરોડની ખંડણી માગી હતી. ઉમરા પોલીસમાં તેમની વિરૂદ્ધ 1999માં પાર્લે પોઇન્ટમાં દુકાન પચાવી પાડવાનો પણ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત અનિલ કાઠી વિરૂદ્ધ 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયેલા છે.