- મહાનગરપાલિકાની ચૂંટણીનું મંગળવારે પરિણામ
- સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન બાદ 484 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં થયું કેદ
- EVM સાથે છેડા થાય એ ભયથી AAPના કાર્યકરો સ્ટ્રોંગ રૂમની બહાર કરી રહ્યા છે ચોકીદારી
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણી માટે છેલ્લી ઘડીએ સારૂ મતદાન થતા 2015ની ચૂંટણી માટે થયેલા મતદાનના કરતા આ વખતે 6 ટકા જેટલો વધારો નોંધાયો છે. મતદાન બાદ સુરત ખાતે આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે, મોટી સંખ્યામાં તેમની સીટો આવશે. આ વખતે આમ આદમી પાર્ટીએ ભાજપને સીધી ટક્કર આપી હતી.
આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે, તેમને સારી બેઠક મળશે
કોંગ્રેસના મત તોડવા માટે પણ આમ આદમી પાર્ટીએ પાર્ટી ઉદાર મત વિસ્તારમાં પોતાના ત્રણ ઉમેદવાર ઉતાર્યા હતા એટલું જ નહીં પાસના સભ્યો પણ અપ્રત્યક્ષ રીતે આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું. ચૂંટણીપ્રચાર બાદ મતદાન થયું અને તેમાં આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે, તેમને સારી બેઠક મળશે, જોકે, આમ આદમી પાર્ટી કહી રહી છે કે. ક્યાંક EVMમાં અમારા છબરડો થઈ શકે છે. તેથી આ વખતે કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટીએ સ્ટ્રોંગ રૂમની બહાર મોરચો સંભાળી લીધો છે. સ્ટ્રોંગ રૂમની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બેસીને ચોકીદારી કરી રહ્યા છે.
AAP ના કાર્યકરો કરી રહ્યા છે ચોકીદારી
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, અમને પ્રચાર સમયે ખૂબ જ સારો રિસ્પોન્સ મતદાતા પાસેથી મળ્યો છે. પરંતુ લોકોને એક શંકા હતી કે, તેઓ મત આપને આપશે તેમ છતાં EVMમાં ગડબડી કરીને ભાજપ સત્તા પર આવી શકે છે. લોકોની આ શંકા દૂર કરવા માટે અમે સ્ટ્રોંગ રૂમની બહાર ચોકીદારી કરવાનો નિર્ણય કર્યો છે. અમારા કાર્યકર્તા રાઉન્ડ દી ક્લોક સ્ટ્રોંગ રૂમની બહાર બેઠા છે. આઠ- આઠ કલાકની પાળી રાખીને તેઓ 24 કલાક ચોકીદારી કરશે.