- કોરોના વેક્સિનેશન માટે તંત્ર સજ્જ
- વિવિધ જિલ્લામાંથી યાદી શરૂ કરાય
- રાજકોટમાં વેક્સિનેશનની તૈયારી શરૂ
રાજકોટઃ હાલ સમગ્ર દેશ કોરોના વાઇરસ મહામારી સામે જંગ લડી રહ્યો છે, ત્યારે તમામ લોકોના સાથ સહકારથી કોરોના સામે જંગ જીતી પણ શકાશે. દેશમાં કોરોના વાઇરસની વેક્સિન આવવાની તૈયારી થઇ રહી છે. જેની સામે રાજકોટ મહાનગરપાલિકા પણ પ્રથમ તબક્કે વેક્સિનને દરેક જરૂરિયાતમંદ માણસ સુધી પહોંચાડવા અંગેના પગલાં લઇ રહી છે. જેને લઈને દરરોજ મનપાની ટીમ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
1,80,125 લોકોની યાદી Co-Win સોફ્ટવેરમાં અપલોડ કરાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી 50 વર્ષથી વધુ ઉંમરવાળા અને 50 વર્ષથી ઓછી ઉંમરવાળા અને કો-મોર્બીડ કન્ડિશનવાળા લોકોની યાદી બનાવવામાં આવી છે. જેમાં 50 વર્ષથી વધુ ઉંમરવાળા 1,77,874 વ્યક્તિઓ અને 50 વર્ષથી ઓછી ઉંમરવાળા અને કો-મોર્બીડ કન્ડિશનવાળા 2,251 વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી છે. શહેરમાં કુલ 1,80,125 લોકોની યાદી બનાવી Co-Win નામના સરકારના સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવી છે.
958 ટીમો બનાવી શહેરના તમામ વોર્ડમાં સર્વે કરાયો
રાજકોટ મનપા દ્વારા 958 ટીમો બનાવી શહેરના તમામ વોર્ડમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 50 વર્ષથી ઉપરના તમામ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો અને ડેટા બેન્ક તૈયાર કરવામાં આવી છે, જયારે 18થી 50 વર્ષની વયના કો-મોર્બીડ કન્ડિશનવાળા લોકોને કે જેમને ડાયાબીટીસ, બી.પી, કેન્સર, એઇડ્સ, કિડની સંબંધી રોગ, હાર્ટ ડીસીઝ, HIV, મેન્ટલી રીટાર્ડેડ (મનોદિવ્યાંગ) વગેરે જેવા ક્રોનિક ડીસીઝ-અસાધ્ય રોગ હોય તેવી પરિસ્થિતિવાળા વ્યક્તિઓની પણ એક યાદી તૈયાર કરવામાં આવી છે. ચૂંટણી બૂથ પ્રમાણે યાદી તૈયાર કરી એક ડેટા બેન્ક તૈયાર કરવામાં આવી છે.