- રાજકોટમાં મરઘાઓને એકબીજા સાથે લડાવી જુગાર રમનારા ઝડપાયા
- ક્રાઈમ બ્રાન્ચે 11 ઈસમોને ઝડપી પાડ્યા
- ક્રાઈમ બ્રાન્ચની ટીમે રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ પણ કર્યો કબજે
રાજકોટઃ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને શહેરના મોરબી રોડ પર આવેલા જૂના જકાત નાકા નજીક મરઘાઓને એકબીજા સાથે લડાવીને જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં જાહેરમાં આ ઈસમો દ્વારા મરઘાને એકબીજા સાથે લડાવીને જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો. જેને ક્રાઈમ બ્રાન્ચે ઘટના સ્થળેથી ૧૧ ઈસમોને ઝડપી પાડયા હતા. જ્યારે જુગાર રમી રહેલા અન્ય ઈસમો પોલીસને જોઈને ભાગવામાં સફળ રહ્યા હતા. જેની હાલ ક્રાઇમબ્રાન્ચ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
16 ટુ વ્હીલર, 9 ફોર વ્હીલર ઘટના સ્થળેથી કરાયા કબજે
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે, કેટલાક ઇસમો ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા છે, પરંતુ તેમના વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. ક્રાઇમબ્રાન્ચે ઘટનાસ્થળેથી 16 ટુ વ્હીલર અને 9 કાર કબજે કર્યા છે. આ સાથે ઘટના સ્થળેથી ત્રણ મરઘા, રોકડ રૂપિયા 20,720, મોબાઈલ નંગ 9 સહિત કુલ રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે દરોડા દરમિયાન જે ઈસમો ભાગવામાં સફળ થયા છે, તેમની વાહનના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા હેઠળના કાયદા મુજબ ગુનો નોંધાયો
રાજકોટ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઈસમો વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 તથા પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદો 1960ની કલમ નંબર 11 એ.એન મુજબનો ગુનો નોંધવામાં અવ્યો છે. જ્યારે ઘટના સ્થળેથી કબ્જે કરવામાં આવેલા મરઘાઓને શહેરના મહાજન પાંજરાપોળ ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ દ્વારા ઘણા લાંબા સમય બાદ આ પ્રકારના જાહેરમાં જુગાર રમતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.