- રાજકોટમાં રોડ રસ્તાના વિરોધને લઈને કોંગી કોર્પોરેટર પાટા પિંડી કરીને બોર્ડમાં આવ્યા
- થોડા સમય માટે બોર્ડમાં હંગામો મચી ગયો
- વિપક્ષ પોતાની મર્યાદા બહાર જઈને વાણી વિલાસ કરે છે: મેયર
રાજકોટ: રાજકોટ મનપાનું શુક્રવારે જનરલ બોર્ડ મળ્યું હતું. જે દરમિયાન બોર્ડ શરૂ થાય તે પહેલાં જ કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સહિતના કોંગી કોર્પોરેરો હાથ પગમાં પાટા પિંડી બાંધીને આવ્યા હતા અને રોડ રસ્તા મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવતા સમગ્ર મામલે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે પત્રકારોને માહિતી આપી હતી કે, લોકશાહીમાં વિપક્ષ હોવો જરૂરી છે. અમે પણ વિપક્ષને આવકારીએ છીએ પરંતુ કોંગી કોર્પોરેટરો દ્વારા જે રોડ રસ્તા મામલે રજૂઆત કરી તે મેં સાંભળી હતી અને મેં તેમને પાંચ વખત બોર્ડમાં બેસી જવા માટે સૂચના આપી હતી. છતાં વિપક્ષના કોર્પોરેટરો દ્વારા પોતાનો વિરોધ શરૂ રાખવામાં આવ્યો હતો. જનરલ બોર્ડ બે મહિને એકવાર મળે છે તેમ પ્રશ્નોત્તરી પણ થાય છે. જે વિપક્ષ દ્વારા કરવા દેવામાં આવી નહોતી અને પોતાની મનમાની ચલાવામાં આવી હતી. જેને લઈને મેં માર્શલને આદેશ કર્યો હતો કે, તેમને બોર્ડમાંથી બહાર લઈ જાવ.
રાજકોટની હાલની પરિસ્થિતિને લઈને વિરોધ: સાગઠિયા
રાજકોટમાં કોંગી કોર્પોરેટરો દ્વારા નોંધવામાં આવ્યો હતો. જેને લઈને મનપાના વિપક્ષી નેતા અને કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ભારે વરસાદ આવ્યા બાદ હાલની રાજકોટના રોડ રસ્તાઓની પરિસ્થિતિ એવી છે કે આ રસ્તાઓ પર ચાલનાર લોકોના હાથપગ ખાડાઓના કારણે તૂટી જાય અને માથા પણ ફૂટી જાય તેવી પરિસ્થિતિ છે. જેના કારણે વિપક્ષ દ્વારા જનરલ બોર્ડમાં હાથ પગ પર પાટાપિંડી કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. લોકશાહીમાં બહુમતીના જોરે ભાજપ કામ કરી રહી હોવાનો સાગઠિયાએ આક્ષેપ પણ કર્યો હતો.
કોંગ્રેસનાં કોર્પોરેટરોને બહાર કાઢવામાં આવતા ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા
મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો છે. જેમાં કોંગ્રેસનાં કોર્પોરેટરોએ રોડ- રસ્તા મુદ્દે અનોખો વિરોધ કર્યો હતો. પાટાપિંડી સાથે સામાન્ય સભામાં પહોંચ્યા હતા. રાજકોટ ખાડાનગરી બની હોવાને કારણે અનેક વાહન ચાલકોનાં અકસ્માત સર્જાતા હોવાનો સણસણતો આક્ષેપ પણ કર્યો હતો. કોંગ્રેસનાં આ હલ્લાબોલને કારણે જનરલ બોર્ડની ગરીમા ભંગ થતી હોવાનાં આરોપસર કોંગ્રેસનાં કોર્પોરેટરોને બહાર કઢાયા હતા. જેને લઈ ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા અપશબ્દ પણ બોલ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે.