- જૂનાગઢ પોલીસે ATM તોડીને ચોરી કરવાના ઈરાદે ફરતા બે શખ્સને ઝડપી પાડ્યા
- ATMમાં ચોરીની ઘટના બને તે પહેલાં જ બે આરોપીને ઝડપી લીધા
- ATM તોડવાના પ્રયાસમાં સાઈરન વાગતાં તસ્કર બેલડી થઈ હતી ફરાર
જૂનાગઢ: જૂનાગઢ પોલીસને શહેરમાં ATM ચોરી રોકવામાં મોટી સફળતા મળી છે. ચોરીની ઘટના બને તે પહેલાં જ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. જૂનાગઢ પોલીસે ATMમાં ચોરી કરવાના ઈરાદે અને ATM તોડવાનો પ્રયાસ કરવાના ગુનામાં જૂનાગઢના બે આરોપીને ઝડપી પાડ્યા છે. ગત રાત્રે પંજાબ નેશનલ બેંકના ATM તોડવાના ઈરાદે પહોંચેલો એક શખ્શ ATMનું સાઈરન વાગતા ત્યાંથી નાસી છૂટ્યો હતો. જેની જાણ પોલીસને થતાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બન્ને આરોપીને ઝડપી પાડ્યા હતા.
ચોરીની ઘટના પહેલાં જ આરોપી ઝડપાયા
જૂનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે. શહેરના દિવાન ચોક વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકનું ATM ગત રાત્રીના સમયે તસ્કરો દ્વારા તોડવાનો પ્રયાસ કરતા ATMમાં લાગેલી સાઈરન વાગતા ATM તોડવાના ઈરાદે આવેલા બે શખ્શ ચોરી કરવાનું છોડી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ બેંક મેનેજરને થતાં મેનેજરને પોલીસને જાણ કરી હતી. જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને આરોપીને ઝડપી પાડયા હતા.
લોકડાઉનમાં રોજગારી ગુમાવી અને ચોરીના રવાડે ચડ્યા
સમગ્ર ઘટનાની જાણ જુનાગઢ પોલીસને થતાં પોલીસે દિવાન ચોક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. બેંકની ગલીમાં દુકાનના ઓટલા પર પોલીસને થાપ આપવાના ઈરાદે સૂઈ રહેલા શંકાસ્પદ વ્યક્તિ બિલાલ અન્સારીની પોલીસે અટકાયત કરી હતી. જેની પૂછપરછ કરતાં તેની સાથે સામેલ અન્ય એક વ્યક્તિ હાર્દિક સોલંકીની પણ તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ લોકડાઉન દરમિયાન રોજગારી ગુમાવી ચુક્યા હોવાને કારણે મોટી ચોરી કરવાના ઈરાદે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને ચોરી કરવામાં સફળતા મળે તે પહેલાં જ બંને આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.