- જૂનાગઢ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસે પ્રસિદ્ધિ ખાતર શરૂ કર્યા અભિયાન
- ભાજપે અન્નક્ષેત્ર તો કોંગ્રેસના ધારાસભ્યોએ સિવિલ હોસ્પિટલમાં સુવિધાને લઈને લીધી મુલાકાત
- સંકટના સમયે લોકો પરેશાન છે, તેવા કાળમાં ભાજપ અને કોંગ્રેસ રાજકિય રોટલા શેકી રહ્યું છે
જૂનાગઢ: કોરોના કાળમાં રાજકીય નેતાઓને સસ્તી પ્રસિદ્ધિ માટેની ભૂખ ઉજાગર થઇ રહી છે. એક તરફ સમગ્ર વિશ્વનું જન માનસ કરોના સંક્રમણ સામે બાથ ભીડીને લડતું જોવા મળી રહ્યું છે. આવા કપરા સમયમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકદમ શુભ પ્રસંગમાં જતા હોય તે પ્રકારે પ્રસિદ્ધિ માટે દોડી રહ્યા છે. તાજેતરમાં જ રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સીલંકીએ ઓક્સિજન સિલિન્ડર પર પોતાનું નામ અને ફોટા સાથેનું સ્ટીકર ચિપકાવીને માનવતાને શર્મસાર કરી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જે પ્રકારે સિવિલ હોસ્પિટલમાં જઈને મુલાકાત લેતા તેમની આ મુલાકાત પાછળના કારણને લઈને સવાલો ઉભા થયા છે.
કઈ રીતે ભાજપ-કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકી રહી છે?
જિલ્લા ભાજપ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના પરીજનો માટે ભોજનની વ્યવસ્થાનું એક પંડાલ લગાવવામાં આવ્યું છે. અહીં પક્ષના મોટા બેનરો લગાવવામાં આવી રહ્યા છે. સેવાનું માધ્યમ હોય તો આ પ્રકારે રાજકીય પક્ષ મદદ કરી રહ્યો છે એવી ઓળખાણ આપીને ભોજન પીરસવું સંકટના સમયમાં કેટલું યોગ્ય છે? બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય પણ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓની મુલાકાત કોરોના દર્દીઓને દવા અને સુવિધા મળી રહે તે માટેની હતી. આ કામ કોંગ્રેસના ધારાસભ્યો કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ વગર કરી શક્યા હોત તો વધુ યોગ્ય ગણાશે. કોંગ્રેસે સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ પંડાલ નથી લગાવ્યો, પરંતુ દર્દીઓ અને તેમના પરિજનોમાં અહેસાસ થાય કે કોંગ્રેસ પણ અમારી રજૂઆત કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવી છે.