જામનગર: જિલ્લાના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસના પ્રસંગે નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો તેમજ પૃથ્વી માટે આર્દ્રભૂમિની ભૂમિકા અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાના હેતુસર વર્ષ 1971માં ઈરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્દ્ર ભૂમિના મહત્વ અંગે રામસર સંધિ’ પર થયેલા હસ્તાક્ષરને અનુલક્ષીને દર વર્ષે 2જી ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
આ પણ વાંચો: જામનગર: વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાતા ખીજડીયા પક્ષી અભયારણ્યને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
ગુજરાત સરકાર વતી નિવાસી આયુક્ત આરતી કંવરે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું
હરિયાણાના ગુરુગ્રામ સ્થિત સુલતાનપુર નેશનલ પાર્ક ખાતે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત સરકાર વતી નિવાસી આયુક્ત આરતી કંવરે કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ પાસેથી ખીજડીયા વન્યજીવ અભયારણ્યને નવી રામસર સાઇટ તરીકેનો દરજ્જો મળ્યા અંગેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.
આ પણ વાંચો: શું તમે આ ખીજડીયા પક્ષી અભ્યારણ જોયું છે?, જ્યાં ખાડી દેશના પક્ષીઓ આવે છે
પક્ષી નિષ્ણાંત સલીમ અલીએ 1984માં ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી
ખીજડીયા પક્ષી અભયારણ્યએ 6.5 કિમીના વિસ્તારમાં તાજા પાણીનાં તળાવો, ખારા તેમજ મીઠા પાણીનાં ખાબોચિયાં ધરાવતું હોવાથી અલગ તરી આવે છે. દેશની આઝાદી પૂર્વે રૂપારેલ નદીનાં પાણીને દરિયામાં વહી જતું રોકવા માટે ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો. વર્ષો વીત્યે એક બાજુ વરસાદ અને નદીનું તાજું પાણી અને બીજી તરફ દરિયાનું ખારું પાણી હોવાથી એક અલગ વિસ્તારનું નિર્માણ થયું હતું. ખીજડીયા પક્ષી અભયારણ્ય કચ્છની ખાડીમાં જામનગર જિલ્લાના ઉત્તર પૂર્વ દરિયાકિનારે રૂપારેલ નદી અને કાલિન્દ્રી નદીના સંગમ પાસે આવેલું છે અને તેથી એકદમ ખાસ અને અલગ જીવસૃષ્ટિ ધરાવે છે. ભારતના જાણીતા પક્ષી નિષ્ણાંત સલીમ અલીએ 1984માં ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી ત્યારે એક દિવસમાં પક્ષીઓની 104 જાતો શોધી કાઢી હોવાનું નોંધાયું હતું.
આર્દ્રભૂમિ ધરાવતા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ભૌગોલિક નક્શાનું કરાયું અનાવરણ
ખીજડીયા વન્યજીવ અભયારણ્ય ઉપરાંત ઉત્તર પ્રદેશના બખીરા વન્યજીવ અભયારણ્યને પણ રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતમાં આર્દ્રભૂમિ ધરાવતા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ભૌગોલિક નક્શાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.