પાટણ : સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના પાટીદાર પરિવારના દીકરા-દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન તેમજ 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા આયોજીત આ લગ્નોત્સવ આગામી 17 નવેમ્બર, રવિવારના રોજ પાટણ નજીક આવેલા સંડેર ખાતે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે યોજાનારા છે.
પ્રથમ પાટીદાર સમૂહ લગ્ન : "ન ભૂતો ન ભવિષ્યતિ" સમાન બની રહેનારા આ સમૂહ લગ્નની ચાલતી તૈયારીને નિહાળવા અન્ય સમાજના સંગઠન પણ સંડેર આવી અને 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠનના આયોજનથી પ્રેરણા લઈ રહ્યા છે. પ્રથમ સમુહ લગ્નના આયોજનને સફળ બનાવવા છેલ્લા બે મહિનાથી 42 લેઉવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેઉવા પાટીદાર મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
61 નવદંપતી પ્રભુતામાં પગલાં માંડશે : આ સમૂહલગ્નમાં જોડાનારા તમામ 61 નવદંપતીને 2.5 લાખથી વધુની ભેટસોગાદ સમાજના દાતા પરિવાર અને શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવનાર છે. સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામોમાં રહેતા 42 લેઉવા પાટીદાર સમાજના 9000 પરિવારને ઘરે ઘરે જઈ સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્ન કંકોત્રી પહોંચાડી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં અંદાજે 20,000થી વધુ લોકો આવવાનો અંદાજ છે.
દોઢ કરોડનો ભવ્ય મંડપ : પાટણના સંડેર નજીક ખોડલધામ સંકુલમાં 17 નવેમ્બરના રોજ અંદાજે દોઢ કરોડથી વધુના ખર્ચે જર્મન ટેક્નોલોજીના 70 લાખ ભાડાના ખર્ચે ભવ્ય 1100×132 ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ આધારિત મંડપમાં ભવ્યાતિભવ્ય પ્રથમ સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં 42 લેઉવા પાટીદાર સમાજના પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 61 નવદંપતી સમાજની સાક્ષીએ સમાજના રીતરિવાજ મુજબ પ્રભુતામાં પગલાં માંડી લગ્નગ્રંથિથી જોડાશે.
CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ : આ સમૂહ લગ્ન પ્રસંગમાં જોડાનાર નવદંપતીઓને અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ આશીર્વચન આપવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. સાથે જ સમૂહલગ્નની શોભા વધારવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, મંત્રી રાઘવજી પટેલ, જયેશ રાદડિયા, ડો. કિરીટ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સમૂહલગ્નના આયોજનને સફળ બનાવવા જુદી જુદી 28 કમિટી છે.
CCTV કેમેરાથી સજ્જ સુરક્ષા વ્યવસ્થા : સમૂહ લગ્નની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લગ્નમંડપ, રસોડું અને પાર્કિંગ સહિતના સ્થળોને વાઇફાઇથી સજ્જ 32 હાઇરિઝ્યુલેશન CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. 25 લોકોની ટીમ પાંચ સ્કીન પર પળે પળની નજર રાખશે અને 800 સ્વયંસેવકો વોકીટોકી સાથે પોતાની સેવા આપશે. સાથે જ મેડિકલ, ડિઝાસ્ટર, મિકેનિકલ અને ઈલેક્ટ્રિક સેવા માટે 100થી વધુની ટીમ સ્ટેન્ડ બાય રહેશે.
ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ : બાળકો માટે ગેમ ઝોન, સેલ્ફી પોઈન્ટ અને ઘોડિયા ઘર પણ કાર્યરત કરાશે. જ્યારે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા સમાજના દીકરા-દીકરીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્ટોલ ફાળવી તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી ગૃહઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન પણ કરવામાં આવશે. નવી પેઢી સમક્ષ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા પ્રવેશદ્વારમાં ગાડું, હળ, ઘંટી, વલોણું, પટારો, ફાનસ, હીંચકો, જૂના દરવાજા સહિતની ચીજવસ્તુઓ મૂકવામાં આવશે.
રૂ.18.60 કરોડની વીમા પોલિસી : સમૂહલગ્નમાં જોડાનાર નવયુગલોના 15-15 લાખના વીમા ઉતારવા માટે રૂ.18.60 કરોડની પોસ્ટની ગ્રુપ ગાર્ડ પોલિસી પણ લેવામાં આવી છે. આ સાથે દરેક વરઘોડિયાને સમૂહ લગ્નોત્સવ સ્થળે લાવવા લઈ જવા માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા 80 લક્ઝરી બસની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરી છે. સાથે જ સમૂહ લગ્નમાં આવનાર લોકોનાં કાઉન્ટિંગ માટે કુલ 9 પિપલ કાઉન્ટિંગ મશીન સમૂહ લગ્ન સ્થળ પર કાર્યરત કરાશે.