છોટાઉદેપુર: જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામના સરપંચના પતિએ ગામની જ એક મહિલાને આવાસની લાલચ આપી ઘરે બોલાવીને મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે બાદ હાલમાં પોલીસે સરપંચ પતિને પકડીને જેલ હવાલે કરી દીધો છે.
આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને મહિલાને ઘરે બોલાવી
છોટાઉદેપુર સંખેડા તાલુકાના એક ગામની મહિલાને એક મહિના પહેલા ગામના સરપંચ પતિએ સરકારની આવાસ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું અને મહિલા નો ફોન નંબર લીધો હતો. બાદમાં સરપંચ પતિએ આવાસ યોજના માટે મહિલાને જરૂરી કાગળ લઇને તેના ઘરે આવવા ફોન કર્યો હતો. સાથે તલાટી પણ તેની સાથે હોવાનું કહીને મહિલાને બોલાવી હતી. પરંતુ મહિલાએ પોતાની પાસે ઘરવેરાની પાવતી ન હોવાનું જણાવતા સરપંચ પતિએ વેરો પોતે ભરાવી દેવાનું કહીને 'ઘરે આવ', તેમ કહેતા મહિલા સરપંચના પતિના ઘરે ગઈ હતી.
રૂમમાં લઈ જઈને કરી બળજબરી
ત્યાં જઈને જોતા તલાટી કે અન્ય કોઈ ઘરે હાજર નહોતું, ફકત સરપંચના પતિ એકલા જ હાજર હતા. મહિલા ઘરે પહોંચતા સરપંચ પતિએ મહિલાને જરૂરી કાગળો લઇને 'ઉપરના માળે ચાલો ત્યાં તમારો વેરો ભરવાનો કાગળ અને આવાસના કાગળોમાં સહી-સિક્કા કરી આપુ છું' કહીને ઉપરના માળે રૂમમાં લઈ ગયો હતો. જ્યાં સરપંચ પતિએ કાગળ બતાવવાનું કહીને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને કહ્યું કે, 'હું તમારો ઘરવેરા પણ ભરી દઈશ અને આવાસ પણ મંજૂર કરાવી દઈશ. પણ તમારે મારી સાથે સંબંધ રાખવો પડશે'. તેમ કહીને મહિલાને બાથ ભરીને શારીરિક અડપલા કર્યા હતા અને શારીરિક સંબંધની માંગણી કરી હતી.
જેથી મહિલા ગભરાઈ ગઈ હતી. તેણે ના પાડતાએ સરપંચ પતિએ મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીથી રૂમમાં પડેલા પલંગ પર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. અને ત્યારબાદ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પીડિતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા પોતાના ઘરે જઈને તેના ભાભીને જાણ હતી, આ બાદ મહિલાએ તેના ભાભી સાથે સંખેડા પોલીસ સ્ટેશને પહોંચી સરપંચ પતિ વિરૂદ્ધ ફરિયાદ કરતા સંખેડા પોલીસે સરપંચ પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને છોટાઉદેપુર જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે બોડેલી પ્રાંતના ASP ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, સરપંચ પતિ મહિલાને આવાસનો લાભ આપવાની લાલચ આપી, ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાની સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જે સરપંચ પતિ ને BNS એક્ટ 64(1), 351(3) મુજબનો ગુનો નોંધી જેલમાં મોકલી આપ્યો છે.
આ પણ વાંચો: