છોટોઉદેપુર: આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાની ભૌગોલિક રચના જ ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે. આ પંથકમાં કુદરતે છુટાહાથે પ્રકૃતિની વહેંચણી કરી છે. ખાસ તો આ વિસ્તારમાં આવેલો માખણિયો પર્વત તેની સુંદરતા અને રહસ્યમયતાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
કેવી રીતે પડ્યું નામ: જેતપુર પાવી તાલુકાનાં સુખી ડેમ પાસે આવેલો આ માખણિયો પર્વત ભૂમી ધરાતલથી અંદાજે બે હજાર ફુટની ઉંચાઈ ધરાવે છે અને પાંચ કિલોમીટરની લંબાઈ ધરાવે છે. દૂરથી જોઈએ તો આ પર્વત જાણે માખણનો ઘડો હોય અને તેમાંથી માખણ છલકાતું હોય એવા આકારનો લાગતો હોવાથી આ પર્વતને "માખણિયો ડુંગર" તરીકે ઓળખવામાં આવે છે, જોકે, સ્થાનિક બોલી માં તેને " હોરહોળીયો ડુંગર" તરીકે પણ ઓળખવામાં આવે છે
હિલ સ્ટેશન તરીકે ઉભરતું સ્થળ: કુદરતી સૌંદર્યથી ભરપુર માખણિયો પર્વત પર છુપાયેલી અજાયબીઓના કારણે તે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર ધરાવે છે. આ ઉપરાંત માખણિયો પર્વત હાઈકિંગ અને ટ્રેકિંગનાં શોખીનોને પણ અહીં ખેંચી લાવે છે, જ્યારે ફરવાના શોખીનો માટે આ ઉભરતુ હિલ સ્ટેશન બન્યું છે. માખણિયા પર્વત પર બે મોટા કુદરતી તળાવો આવેલા છે. આ તળાવમાં કમળનાં સુંદર ફૂલો ખીલી ઉઠતાં તળાવની શોભામાં વધારો કરે છે, બીજું એ કે, ભરઉનાળામાં પણ આ તળાવનું પાણી સુકાતું નથી, અને તેમાં વિવિધ કલરની માછલીઓ પણ જોવા મળે છે.
અજાયબીઓથી ભરપુર: માખણિયા પર્વત પર એક બારી નામની નાની ગુફા પણ આવેલી છે, જેમાં એક બાજુએથી ઢીંચણે ઢીંચણે ચાલીને પ્રવાસીઓ પસાર થાય છે અને રોમાંચ અનુભવે છે. ડુંગર પર તળાવની બાજુમાં આદિવાસીઓનાં ઇષ્ઠદેવ એવા બાબા દેવનું સ્થાનક પણ આવેલું છે, અને બાજુમાં પુરાતન કાલનું ભગ્ન અવસ્થામાં મંદિર આવેલું છે જયાં એક પ્રાચીન શિવલિંગ સ્થાપિત છે, તળાવથી થોડા આગળ જતાં એક વિશાળ ગુફા આવેલી છે અને મોટી મોટી શીલાઓ ઉપર પાણીનાં કુંડ આવેલા છે, જે કુંડ જોવા માટે લોખંડની નિસરણી મુકવામાં આવી છે,આ નિસરણી પર ચઢીને કુંડનો નજારો માણી શકાય છે.
અનેક વિશાળ કલાત્મક શીલાઓ: અહીં એક નાગનાં આકારની શીલા પણ આવેલી છે. પર્વતથી નીચે ઉતરતા અન્ય એક ગુફા આવેલી છે. આ ગુફાની એક શીલા પર અવાચ્ય ભાષામાં લીપી કોતરેલી છે, એવો દાવો કરાઈ રહ્યો છે આ લીપીને હજી સુધી કોઈ વાંચી શક્યું નથી. રાયપુર ગામની ચિંતા ડુંગરીની ગુફામાં આદિકાળથી પીઠોરાનાં ચિત્રો અંકિત થયેલા જોવા મળે છે, માખણિયો પર્વત અનેક શીલાઓથી બનેલો હોવાના લઇને આ પર્વત પર ચઢાણ કરવું ખુબ અઘરું છે, ત્યારે સ્થાનિક લોકો અને ટ્રેકિંગ કરનારાઓ માટે પર્વત ઉપર ચઢાણ કરવા માટે સંત કૈવલ મંદિર પાસેથી છેક પર્વત સુધી એરો માર્ક કરવામાં આવ્યાં છે.
અનેક દંતકથાઓ જોડાયેલી: સ્થાનિક લોકોમાં માખણિયા પર્વત વિશે અનેક દંત કથાઓ પણ જોડાયેલી છે, એક દંતકથા અનુસાર પાંડવોનાં ગુપ્ત વનવાસ દરમિયાન આ પર્વત પર રોકાયા હોવાનું અનુમાન છે, જ્યારે અન્ય એક લોકવાયકા અનુસાર અંગ્રેજો સામેની ચળવળ દરમિયાન આદિવાસી ક્રાંતિકારીઓ આ પર્વતની ગુફાઓમાં છુપાયને ચળવળ ચલાવતા હોવાની પણ માન્યતા છે.
પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થવો જરૂરી: કુદરતી સૌંદર્યની સાથે વિવિધ અજાયબીઓ અને ખાસિયતોથી ભરપુર આ માખણિયા પર્વતની આસપાસ પ્રવાસન વિભાગ દ્વારા સુવિધા વઘારવામાં આવે તો વધુ સહેલાણીઓ અહીં આવી શકે અને કુદરતી પ્રકૃતિની સાથે માખણિયા પર્વતનો અદભૂત નજારો માણી શકે, જો સહેલાણીઓને અહીં આવવા માટેની તમામ સુવિધાઓ મળી રહે તો ચોક્કસ અહીં સ્થાનિક લોકોને પણ રોજગારીની સાથે આર્થિક ટેકો મળી રહે.