અમદાવાદ : બે દિવસ અગાઉ શહેરના ચાંદખેડા વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ચાંદખેડા વિસ્તારમાં ગેંગવોરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી અને સમગ્ર ઘટના વિશે માહિતી આપવામાં આવી છે.
અમદાવાદમાં ગેંગવોરનો કિસ્સો : ગત 13 નવેમ્બરના રોજ સવારે 11:15 વાગ્યા આસપાસ શહેરના મોટેરા સ્ટેડિયમ રોડ પર સહજાનંદ પાર્ક કોમ્પલેક્ષની સામે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી અને ઝગડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા સરદારજી ગોપાલ વણઝારા નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
વીડિયોમાં કોમેન્ટ કરવા મામલે માથાકૂટ : ઘટના બનવાના કારણની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ગ્રુપમાં વણઝારા સમાજની મહિલાઓ સફાઈ કરતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ મહિલાઓ કયા વિસ્તારની છે તે બાબતના ચેટમાં ચાંદખેડા મોટેરા વણઝારા વાસના સોમાજી નામના વ્યક્તિએ આ મહિલા મેમનગર વિસ્તારની હોવાની કોમેન્ટ કરી હતી. તે બાબતે મેમનગર વણઝારા વાસના જુથ તથા ચાંદખેડા મોટેરા વણઝારા વાસના જૂથ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો.
એક વ્યક્તિનું મૃત્યુ, 3 ઈજાગ્રસ્ત થયા : તારીખ 13 નવેમ્બરના રોજ મેમનગર તથા નિકોલ વણઝારા વાસના લોકો ચાંદખેડા મોટેરા વાસ ખાતે સમાધાન માટે આવ્યા હતા. તે વખતે ફરીથી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો તથા મારામારી થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું તથા અન્ય 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
8 આરોપીની ધરપકડ : આ સમગ્ર મામલે આ ઘટના સાથે સંકળાયેલા 8 આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં હંસાજી ઉર્ફે હસમુખ, વિષ્ણુ વણઝારા, મોતીજી વણઝારા, કમલેશ ઉર્ફે રાકેશ, રણજીત ઉર્ફે ગોટલી, રમેશ ઉર્ફે કાળું, પવન વણજારા અને અરવિંદ વણઝારા સામેલ છે.