- પોલીસે માતા-પુત્રને અટકાવતા પોલીસ સાથે ઝઘડો કર્યો
- કોંગ્રેસ નેતાના પત્ની-પુત્રએ મોટા અવાજે પોલીસને ગાળો ભાંડી
- સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં બન્ને વિરૂદ્ધ ગુનો નોંધ્યો
ગાંધીનગર: રાત્રિ કરફ્યૂ દરમિયાન સરગાસણ પાસે કોંગ્રેસ નેતાના પત્ની તૃષા નિમેષ શાહ અને પુત્ર હર્ષ નિમેશ શાહ નાઇટ કરફ્યૂ દરમિયાન બહાર નીકળતા પોલીસે અટકાયત કરી હતી. પોલીસે અટકાવતા પોલીસ સાથે ઝઘડો કર્યો હતો અને અસભ્ય વર્તન કરી પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવા પ્રયત્ન કર્યો હતો. આ સાથે, માતાએ લાફો મારતા મામલો વધુ બીચકાયો હતો.
આ પણ વાંચો: પોલીસકર્મીએ મહિલાને માર્યા લાફા, માસ્ક બાબતે થઇ હતી રકઝક
નિયમ ભંગ કરીને બહાર જવાનું કારણ પૂછતાં માતા-પુત્ર બન્યા ઉગ્ર
લોકરક્ષક પ્રકાશ પ્રહલાદભાઈ હોમગાર્ડ પિનાકીન ગોવિંદભાઈ અને અલ્પેશ અમૃતભાઇ ગઈકાલે રાત્રે સરગાસણ પ્રમુખ નગર પર ફરજ નિભાવી રહ્યા હતા. તેમને રાત્રી કરફ્યૂનું પાલન કરાવવા માટે બેરીકેડ લગાવ્યા હતા. તેવા સમયમાં ગાડીમાંથી ઉતરેલા માતા અને પુત્રએ બેરીકેડ હટાવી લેવા માટે પોલીસને કહ્યું હતું. ત્યારે, પોલીસે રાત્રી દરમિયાન નિયમ ભંગ કરીને બહાર જવાનું કારણ પુછ્યું હતું. આ સાંભળી માતા અને પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. આ બાદ, માતાએ પોલીસને કહ્યું હતું કે, તમારી વર્દી ઉતારી દઈશ. તમે અમારા નોકર છો. આ સાથે તેમને મોટા અવાજે ગાળો બોલવાનું પણ શરૂ કર્યું હતું. આમ વાતાવરણ ઉગ્ર બની જતા આજુબાજુના લોકો તેમજ અન્ય પોલીસના જવાનો ભેગા થઇ જતાં મામલો બિચક્યો હતો. આ બાબતે, અંતે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: પોરબંદરમાં મહિલા ASIને લાફો મારનારા 2 શખ્સની ધરપકડ
સેક્ટર 7 પોલીસે વિવિધ કલમો સાથે ગુનો દાખલ કર્યો
વાતાવરણ ઉગ્ર બનતા સેક્ટર 7 પોલીસે વિવિધ કલમો સાથે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ પુત્રના પિતા કોંગ્રેસ સાથે જોડાયેલ છે. માતા પુત્ર બન્નેને સેક્ટર 7 પોલીસ મથક લાવી પૂછપરછ કરતા માતા તૃષા નિમેષ શાહ અને પુત્ર હર્ષ નિમેષ શાહ હોવાનું જાણવા મળ્યું હતું.