- સ્મશાન ગૃહની 32 ભઠ્ઠીઓ માટે ફોરેસ્ટ દ્વારા આપવામાં આવશે લાકડું
- બીજી લહેરમાં 15,000 મણ લાકડું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આપ્યું
- એક જ સ્મશાનમાં 50થી 70 મૃતદેહો બીજી લહેરમાં આવતા હતા
ગાંધીનગર: તૌકતે વાવાઝોડામાં ફક્ત ગાંધીનગર શહેરના જ સેક્ટરોમાં 275 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. હજુ પણ કેટલાક વૃક્ષોની ગણતરી અને કટિંગ કામ ચાલી રહ્યું છે. ત્યારે, હાલ આ વૃક્ષોને કાપી લાકડાં ભેગાં કરવામાં આવી રહ્યાં છે. લાકડાનો ઉપયોગ ત્રીજી લહેરમાં ગાંધીનગર કોર્પોરેશનના સ્મશાનો માટે કરવામાં આવશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ લાકડાં કોર્પોરેશનને આપવામાં આવ્યા છે. ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાનોમાં બીજી લહેરમાં દિવસના 50થી 70 જેટલા મૃતદેહો આવતા હતા. જેથી બધા સ્મશાનોમાં લાકડાઓ પણ ખૂટી ગયા હતા. છેવટે કોર્પોરેશનને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદ લેવી પડી હતી. ત્યારે, આ વખતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જરૂરિયાતને ધ્યાનમાં રાખી પહેલાથી જ લાકડાઓના સ્ટોક કરી મૂકવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મીડિયાને કર્યુ સંબોધન, કોરોનાની ત્રીજી લહેરની બતાવી તૈયારી
બીજી લહેરમાં એક મહિનામાં 15,000 મણ લાકડું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી લીધું
"સ્મશાનોમાં બીજી લહેરમાં ડેડ બોડીની સંખ્યા વધી ગઈ હતી. ગાંધીનગરના મોટા 2 સ્મશાન સરગાસણ અને સેક્ટર 30માં આવેલા છે. આ ઉપરાંત, અન્ય સ્મશાનોમાં લાકડાઓની ભઠ્ઠીઓમાં મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવતો હતો. કોર્પોરેશનની જે 14 ભઠ્ઠીઓ હતી તે વધારીને 32 ભઠ્ઠીઓ કરવામાં આવી હતી. જેથી સ્મશાનોમાં લાકડાઓની જરૂર વધી જતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી અમે 15,000 મણ લાકડું લીધું હતું. સરકાર દ્વારા પણ આ રીતે બધી જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેથી, જ્યારે પણ હવે આ પ્રકારની જો જરૂરિયાત ઊભી થઈ તો અમે આ પ્રકારે ફરીથી સ્મશાનમાં લાકડાં માટે ઓર્ડર આપીશું." પી. સી. દવે (ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્નર, ગાંધીનગર)
આ પણ વાંચો: ધારપુર હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરું આયોજન
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્મશાનોને કેટલાક લાકડાઓ આપશે, બાકીનાની હરાજી કરશે
ગાંધીનગરના સેક્ટરોમાં વાવાઝોડામાં વૃક્ષો પડવાનું મોટું નુકસાન થયું છે. 275 જેટલા વૃક્ષો વરસાદ અને વાવાઝોડાને પગલે પડી ગયા હતા. જેમાંથી હજુ પણ કેટલાક વૃક્ષો શોધીને તેની ગણતરી ચાલી રહી છે. આ અંગે, વધુમાં માહિતી આપતા ગાંધીનગરના DFO એસ.એમ. ડામોરે કહ્યું કે કોર્પોરેશનના સ્મશાનોમાં જરૂર પડે તો અમે લાકડાઓ આપીશું. બાકીના લાકડાઓની જરુંર પડશે તો હરાજી કરી દેવામાં આવશે. જોકે, ગાંધીનગર સિટીમાં જ 275 વૃક્ષો પડી ગયા હતા. આ ઉપરાંત, તાલુકાઓ તેમજ ગ્રામ્ય લેવલે પણ વૃક્ષો ધરાશાઈ થયા છે. જોકે, હજુ સુધી લાકડાઓને જોખવામાં આવ્યા નથી. જેનું કટીંગનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે.