- ચાર આરોપી પૈકી એક આરોપી ભાગી જવાની ફિરાકમાં હતો
- શંકા જતા પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી હતી
- મુંબઈ એરપોર્ટથી આરોપી ઝડપાયો
ગાંધીનગર: ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા ઈડરમાં એફએક્સ બુલ્સ હેઠળ 3.54 કરોડની છેતરપિંડી કરનારા આરોપીઓ પૈકી એક આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રી દેશ છોડીને ભાગી જતા પહેલાં જ મુંબઈ એરપોર્ટથી ઝડપાયો હતો. કોર્ટે આ પહેલા શરતી જામીન આપી પાસપોર્ટ જમા કરાવવાનો હુકમ કર્યો હતો પરંતુ તેને પાસપોર્ટ જમા કરાવ્યો નહોતો. જેથી ઇન્ફોસિટી પોલીસને તેના પર શંકા જતા લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જે બાદ મુંબઈ એરપોર્ટથી દુબઈ ભાગી જતાં પહેલાં જ તેને ઝડપી ગાંધીનગર લાવવામાં આવ્યો હતો.
25 થી વધુ ગ્રાહકોના રૂપિયાનું રોકાણ કંપનીમાં કરાયું હતું
ફરિયાદી નીતિ રાજ પરમાર મહેસાણામાં 2019 માં FX બુલ્સ વેલ્થ મેનેજમેન્ટના સેમિનારમાં ગયા હતા. જ્યાં તેમની મુલાકાત દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રી ઉપરાંત કંપની સાથે જોડાયેલા પ્રદીપ ચૌધરી, ઇશ્વર મહેન્દ્રભાઈ ચૌધરી અને ઉમેશ કાંતિલાલ મિસ્ત્રી સાથે મુલાકાત થઈ હતી. જ્યાં તેમને લોભામણી સ્કીમ અને ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી હતી, તેમજ ફોરેનની લાલચ પણ અપાઈ હતી. જેથી નીતિ રાજ પરમાર ગાંધીનગર કુડાસણ તેની બ્રાન્ચ ઓફિસ ખોલી હતી. 25 થી વધુ ગ્રાહકોના રૂપિયા ત્રણ કરોડ 54 લાખનું રોકાણ કરાવ્યું પરંતુ વળતર ન મળતા છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેમને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
મુંબઈ એરપોર્ટ પર રિજિયોનલ અધિકારીઓની મદદથી આરોપી ઝડપાયો
કોર્ટની પરવાનગી સિવાય દેશ છોડવો નહીં તેવી શરતી જામીન આપવામાં આવ્યા હતા પરંતુ આ આરોપી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ જમા કરાવવા આવ્યો ન હતો. જેથી પોલીસે તેના ઘરે જઇ તપાસ કરી હતી. જે બાદ વધુ શંકા જતા. ગાંધીનગર SP એ લૂક આઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું. જેના આધારે ઇમિગ્રેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ સર્ક્યુલેશન મોકલી આપવામાં આવ્યું હતું. આરોપી વિરુદ્ધ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ પણ નોંધાયા છે. જેથી પોલીસે પાસપોર્ટ જમા લઈ બેચરાજી પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનામાં પણ નામ સંડોવાયેલ હોવાથી તેને બેચરાજી પોલીસ સ્ટેશનના હવાલે સોંપી દેવામાં આવ્યો છે.