ગાંધીનગર: રાજ્યમાં લૉકડાઉનના શાંતિપૂર્ણ અમલ અને છૂટછાટમા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા રાજ્ય પોલોસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે, પણ સાંજે 7થી સવારના 7 વાગ્યા સુધી ઇમરજન્સી સેવાઓ સિવાયની અવરજવર અને પ્રવૃત્તિઓ જ બંધ રાખવા માટે પણ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.
ડીજીપી ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને અટકાવવા ત્રીજા તબક્કાના લૉકડાઉનના ત્રીજા તબક્કાનો શાંતિપૂર્ણ રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ લોકોએ લૉકડાઉનના શાંતિપૂર્ણ અમલની સાથે જ્યાં છૂટછાટ આપવામાં આવી છે, તેવા વિસ્તારોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી રાખવામાં આવે તે માટેની વ્યવસ્થાઓ પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
રાજ્યમાં જ્યાં સંક્રમણ વધુ છે તેવા રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં લોકોને અગવડતા ન પડે તે માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી કરિયાણા, શાકભાજી, ફળફળાદી વગેરે જેવી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ પ્રતિબંધિત હોય એવી સેવાઓ કે દુકાનો ચાલુ ન રહે તે અંગે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. લૉકડાઉનમાં જે સમયે અને સ્થળે છૂટછાટ આપવામાં આવી હોય ત્યાં અને તે સમયે જ છૂટછાટ ભોગવવાની અપીલ કરતા ઝાએ જણાવ્યું કે, છૂટછાટ સિવાયના સમયે લોકો બહાર ન નીકળે અને ગાઇડ લાઇનનો ભંગ થતો જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લૉકડાઉન દરમિયાન તંત્ર તરફથી આપવામાં આવેલ છુંટછાટનો દુરુપયોગ થાય તે સમાજના હિતમાં નથી. પોલીસ ચેકિંગ દરમિયાન જો આવી મંજૂરીઓ કે છૂટછાટનો દુરુપયોગ થતો હોય તેવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ પ્રકારના એક બનાવમાં ભુજ શહેરમાં લગ્ન વિધિ માટે 30 વ્યક્તિ હાજર રહે અને સોશિયલ ડિસ્ટ્ન્સિંગનું પાલન કરે તેવી શરતોનો ભંગ કરી પોલીસ ચેકિંગમાં લગ્ન પ્રસંગમાં 90 લોકો હાજર મળ્યાનું તથા લોકો વચ્ચે અંતરનો અભાવ હોવાનું જણાતા પોલીસ દ્વારા આયોજક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી 185 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં અનેક ગુના દાખલ કરીને 23, 808 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 101 ગુના નોંધીને 106 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 3,504 ગુના નોંધીને 4,650 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે આજદિન સુધીમાં 726 ગુનામાં કુલ 1004 લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે આજ સુધીમાં 810 ગુના દાખલ કરીને 1,666 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા અત્યાર સુધીમાં 771 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વિડિયોગ્રાફી, ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR), કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન તથા PCR વાનના માધ્યમથી ગઇકાલથી આજદિન સુધીના 274 ગુના મળી કુલ અત્યાર સુધીમાં 7,388 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના 1,829 ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના 635 ગુના તથા અન્ય 293 ગુના મળી કુલ 2,757 ગુનાઓ દાખલ કરી કુલ 3217 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 4987 વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,67,621 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ 6314 અને અત્યાર સુધીમાં 3,47,542 ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.