- કોરોનાથી 45 દર્દીના મોત થયા
- આંકડા ઘટતા રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- ગુજરાતમાં રિકવરી રેટમાં ઉત્તરોત્તર વધારો
ગાંધીનગર : કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં ચાર હજારની અંદર આવ્યા છે. રાજ્યમાં એક સમયે એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 3,187 કેસો નોંધાયા છે. જેની સરખામણી સાજા થનારાનો આંક અઢી ગણાથી પણ વધારે છે. આજે સોમવારે સૌથી વધુ 9305 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે છેલ્લા 24 કલાકમાં 45 જેટલા દર્દીના કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ થયા છે. જ્યારે એક સમયે કોરોનાથી મૃત્યુ થનારાની સંખ્યા 100 કરતા પણ વધુ રહેતી હતી.
અમદાવાદમાં 459, સુરતમાં 181 અને વડોદરામાં 337 કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 459 કોરોના પોઝિટિવ આવ્યા હતા. એક સમયે અમદાવાદ માત્રમાં 3000થી 5000 જેટલા કેસ સામે આવતા હતા. એમ્બ્યુલન્સની લાઈનો પણ લાગતી હતી. જ્યારે અમદાવાદમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા હજારોને વટાવી ચૂકી છે. જ્યારે વડોદરામાં 337, સુરતમાં 181 અને રાજકોટમાં 152 કેસ નોંધાયા છે. આ શેહેરોમાં પણ આ આંકડો 500ની અંદર આવી ગયો છે. જેથી કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે તેવું કહી શકાય છે, પરંતુ સાવચેતી પણ એટલી જ જરૂરી છે.
રસીકરણ વધ્યું, સોમવારે 2,17,513 લોકોનું રસીકરણ થયું
વેક્સિનની પ્રક્રિયા તેજ બને તે માટે નવા ડોઝ માટે ઓર્ડર કરી દેવાયા છે. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે સોમવારે 2,17,513 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 11,56,01,373 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓની વાત કરીએ તો જે 10 જિલ્લામાં તેમને રસીકરણ આપવાની કામગીરી થઇ રહી છે. સરકાર દ્વારા જલ્દી જ અન્ય જિલ્લાઓમાં પણ રસીકરણ શરૂ કરાશે.
અત્યારે કુલ 86,971 જેટલા એક્ટિવ કેસ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 86,971 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 648 વેન્ટિલેટર પર અને 68,323 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 9621 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,13,065 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 90.07 ટકા સુધી પહોંચ્યો છે.