- રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ
- 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4 પક્ષ તરીકે NCP પણ મેદાનમાં
- ભાજપ, કોંગ્રેસ, AAP અને NCP વચ્ચે જામશે જંગ
- NCP પ્રથમ વખત કરશે કોર્પોરેશનની તૈયારી
ગાંધીનગર : રાજ્યની 6 મહાનગરપાલિકા જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા અને જામનગર કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઇ છે અને હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને અંદરખાને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. NCP પક્ષ પણ આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવશે. સાથે જ સ્થાનિક પ્રશ્નોને ઢાલ બનાવીને તેઓ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
કેવી છે NCPની તૈયારી..?
NCPની ચૂંટણીલક્ષી તૈયારીઓ બાબતે NCPના મહામંત્રી નિકુલસિંહ તોમરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મુખ્ય શહેરોમાં ગટરના પાણી અને રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે. NCP પક્ષ આ આંતર માળખાકીય સુવિધાઓને લઇને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેશે. સાથે જ આવનારા સમયમાં લોકોને સારી સુવિધા પ્રાપ્ત થાય તે બાબતને પણ ઉજાગર કરશે.
ભાજપે કહ્યું- ગુજરાતમાં આજ સુધી ત્રીજો પક્ષ ઉભો થઇ શક્યો નથી
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, NCP હોય, આમ આદમી પાર્ટી હોય કે ઓવૈસીનો પક્ષ હોય, તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી. કારણ કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજી પાર્ટી ઉભી થઇ શકી નથી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના સરકારનું કાર્ય અને રાજ્યમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની આગેવાનીમાં ઘડાયેલી યોજનાઓને લીધે ભાજપ લોકપ્રિય પક્ષ છે.
ભાજપ કાર્યકારોનું સંખ્યાબળ ભાજપની તાકાત : ભરત પંડ્યા
ભરત પંડ્યાએ કહ્યું કે, ખેડૂતોના ખાતામાં પણ સીધા જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૈસા જમા થાય છે. ખેડૂતોના માટે અગાઉ કદી કોઈ સરકારમાં ના બની હોય તેટલી યોજનાઓ બની છે. નેતૃત્વબળ અને કાર્યકર્તાઓના બળની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પહોંચી શકે તેમ નથી.